(એજન્સી) તા.૧૭
ક્રૂડ ઓઈલના વધતા ભાવો અને ડોલર સામે રૂપિયામાં નબળાઈના પરિણામે મંગળવારે વેચવાલીના દબાણ વચ્ચે ભારતીય શેરબજારોમાં મોટો કડાકો નોંધાયો હતો. ઈન્દ્રા ડેમાં સેનસેક્સ ૭૦૪ પોઈન્ટ ઘટીને ૩૬,૪૧૯ પર પહોંચી ગયો હતો. જ્યારે નિફટી પ૦માં ઈન્દ્રા ડે ર૦૭ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો. આજના ઘટાડાની સાથે જ વર્ષ ર૦૧૯ માટે નિફટી નેગેટિવ બન્યો હતો.
શેરબજારમાં મંગળવારે જોવા મળેલી વેચવાલી વિશે જાણવા જેવા ૧૦ મુદ્દા
૧. દિવસના અંતમાં સેનસેક્સ ૬૪ર પોઈન્ટ (૧.૭ ટકા) ઘટીને ૩૬,૪૮૧ પર બંધ થયો જ્યારે નિફટી પ૦ ૧૮૬ પોઈન્ટ ઘટીને ૧૦,૮૧૮ પર બંધ થઈ.
ર. સઉદી અરબના તેલક્ષેત્રો પર ડ્રોન હુમલા પછી ક્રૂડ ઓઈલના ભાવ વધી જતાં ભારતની વ્યાપાર ખાદ્ય વધી જશે. નોંધનીય છે કે, ભારત તેની જરૂરિયાતના ૮૦ ટકા ક્રૂડની આયાત કરે છે.
૩. ફોરેન ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટર્સ (એફઆઈઆઈએસ)ની વેચવાલીએ પહેલાંથી મંદ પહેલાં રોકાણના ઉત્સાહમાં વધુ ઘટાડો કર્યો હતો. વિદેશી રોકાણકારોએ આ મહિનામાં રૂા.ર,૪ર૮ કરોડના શેર વેચ્યા હતા.
૪. ચોઈસ બ્રોકિંગના એક્ઝિક્યુટિવ ડાયરેકટર સુમિત બગાડિઆએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, ક્રૂડના વધતા જતાં ભાવ, ડોલર સામે નબળો પડતો રૂપિયો તેમજ એચડીએફસી અને એચડીએફસી બેંક જેવી અગ્રણી કંપનીઓના નબળા પ્રદર્શનને કારણે શેરબજારો તૂટી રહ્યા છે.
પ. તેમણે કહ્યું હતું કે, શેરબજારમાં હજી વધારે ઘટાડો થઈ શકે છે અને નિફટી ૧૦,૮૦૦-૧૦,૭પ૦ સુધી ઘટી શકે છે.
૬. વેચવાલીનું દબાણ એટલું તીવ્ર હતું કે, સેનસેક્સમાં સામેલ ૩૦ શેરોમાંથી ફકત ૩ શેરો વધીને બંધ થયા હતા.
૭. જ્યારે નિફટી પ૦ના ૪૪ શેરો ઘટાડા સાથે બંધ થયા હતા.
૮. નેશનલ સ્ટોક એક્ષ્ચેન્જ (એનએસઈ)ના બધા ૧૧ ઈન્ડેક્ષમાં ઘટાડો નોંધાયો હતો. નિફટી ઓટો ઈન્ડેક્ષમાં સૌથી વધુ ૩.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે નિફટી બેંક, નિફટી પીએસયુ બેંક, નિફટી ફાયનાન્સિયલ સર્વિસીઝ, મેટલ અને રિઅલ્ટી ઈન્ડેક્ષમાં રથી ૩.પ ટકા વચ્ચે ઘટાડો નોંધાયો હતો.
૯. એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ અને એસબીઆઈ સેનસેક્સમાં ઘટાડા માટે કારણભૂત બન્યા હતા. આ કંપનીઓના કારણે સેનસેક્સમાં ૩પ૦ પોઈન્ટનું ધોવાણ થયું હતું.
૧૦. નિફટી પ૦માં સામેલ હીરો મોટોકોર્પ, એક્સિસ બેંક, મારૂતિ સુઝુકી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડસઈન્ડ બેંકમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.