(એજન્સી) તા.૭
ગંગા સફાઈ અંગે અનશન કરી રહેલા સંત ગોપાલદાસ ઓચિંતા દુન હોસ્પિટલમાંથી ગાયબ થઈ ગયા છે. આ પહેલાં તેઓ દિલ્હીના એઈમ્સથી ગાયબ થવાના સમાચાર આવ્યા હતા. ત્યારબાદ જણાવામાં આવ્યું હતું કે, તેમને દિલ્હી એઈમ્સથી દુન હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ દુન હોસ્પિટલમાં સારવાર શરૂ થવાના ૭ કલાકની અંદર તેઓ ગાયબ થઈ ગયા. હોસ્પિટલ તંત્ર દ્વારા સુચના મળ્યા બાદ પોલીસ હોસ્પિટલ પહોંચી અને મોડી રાત સુધી પોલીસ ટીમે તેમની તપાસ કરી હતી. પરંતુ ગોપાલદાસની કાંઈ માહિતી મળી ન હતી.
ત્યાં આમ આદમી પાર્ટી (આપ)ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્‌વીટ કરી સંત ગોપાલદાસના ગાયબ કરવાનો આરોપ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લગાવ્યો છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે ટ્‌વીટ કરી લખ્યું કે, “સંત ગોપાલદાસ ગૌ-રક્ષા અને ગંગા સફાઈ માટે અનશન પર હતા, તેમને મોદી સરકારે એઈમ્સમાંથી ગાયબ કરાવી દીધા છે. તેમના પિતાને પણ કેન્દ્ર સરકાર નથી જણાવી રહી કે તેમને ક્યાં લઈ ગયા. સંત ગોપાલદાસ અસલી ગૌરક્ષક છે. તેમની સાથે મોદી સરકારનો આવો વ્યવહાર ? તેમને તાત્કાલિક તેમના પિતાને સોંપવામાં આવે.”
ત્યાં આપના ધારાસભ્ય સોમનાથ ભારતીએ પોતાના ટ્‌વીટમાં લખ્યું કે, “સૌથી મોટા ગૌરક્ષક સંત ગોપાલ દાસજીને એઈમ્સમાંથી ગાયબ થયે ૩૬ કલાક થઈ ગયા પરંતુ ભાજપની સરકાર મૌન છે. મને મુંઝવણ થઈ રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારી આવીને મળી રહ્યા છે પરંતુ સંતજી વિશે કોઈ જણાવી રહ્યા નથી. સંતજીના પિતા એઈમ્સમાં પાછલા ૬ કલાકથી બેઠા છે.”
ત્યાં સોમનાથ ભારતીએ ગુરૂવારે એક ટ્‌વીટ કરી લખ્યું કે, “સંત ગોપાલ દાસજીના કેસમાં એઈમ્સના મેડિકલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. શર્મા ૪૮ કલાક બાદ જણાવી રહ્યા છે કે, સંતજીને દેહરાદુનની એક હોસ્પિટલમાં લાવારિશ કહીને છોડી દેવામાં આવ્યા છે પરંતુ હોસ્પિટલમાં તેઓ મળી રહ્યા નથી. ગંગા માતા અને ગાયમાતાની ઉપર કામ કરનારા સંત ગોપાલદાસથી મોદીજી કેમ ડરી રહ્યા છે ?”