(એજન્સી) તા.૩
ઉડુપી પેજાવર મઠના અધિપતિ વિશ્વેશા તીર્થા સ્વામીજીએ રવિવારે કહ્યું હતું કે, જે લોકો ગાય અને ગૌવંશની હત્યા કરે છે તે માનવી નથી તેમની સરખામણી રાક્ષસ સાથે થવી જોઈએ. તેમણે કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી હતી કે, ગૌહત્યા પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે. ગૌવંશ સંરક્ષણ વિશેના એક કાર્યક્રમમાં બોલતા સ્વામી વિશ્વેશાએ કહ્યું હતું કે, જેવી રીતે ગાયોની કતલ કરવામાં આવે છે તે અમાનવીય અને નિંદનીય કૃત્ય છે. તેમણે કહ્યું હતું કે, જો ધાર્મિક ઉદ્દેશથી નહીં તો ઓછામાં ઓછું માનવતાના આધારે ગાયોની રક્ષા કરવી જોઈએ. સ્વામીજીએ કહ્યું હતું કે, ભાજપે સંસદમાં એકલા હાથે બહુમતી મેળવી છે અને હવે તેણે વિલંબ કર્યા વગર ગૌહત્યા વિરૂદ્ધ કાયદો બનાવવો જોઈએ. જ્યારે સરકાર વાઘ, સિંહ અને અન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે દરેક પગલા લેતી હોય તો શું ગાયો અને બળદો તેમના કરતાં નિમ્ન કક્ષાના પ્રાણીઓ છે. વિશ્વેશા તીર્થાએ કહ્યું હતું કે, ગૌવંશને ચાલુ રાખવામાં ગાયની સાથે બળદો પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે તેમની પણ રક્ષા થવી જોઈએ.