(એજન્સી) અયોધ્યા, તા.ર૬
એક આંચકારૂપ ઘટનામાં પરમ ધર્મ સંસદે અયોધ્યામાં રામની પ્રતિમા સ્થાપવાની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની દરખાસ્તને ફગાવી દઈ તેને અયોગ્ય ગણાવી હતી. વારાણસીમાં યોજાયેલ બીજી ધર્મ સંસદમાં રામમંદિર મુદ્દાની વિસ્તૃત ચર્ચા થઈ હતી પરંતુ હિન્દુ સંતોએ યોગીની રર૧ મીટર ઊંચી રામ પ્રતિમા સ્થાપવાની દરખાસ્ત ફગાવી દીધી હતી. સંતોએ કહ્યું કે, રામની પ્રતિમા સ્થાપવી શ્રદ્ધાની વિરૂદ્ધ છે. દેશમાં મહાન માણસોના પૂતળા સ્થપાયા છે. રામ તો ભગવાન છે. તેમનું વિવાદિત સ્થળે મંદિર બનવું જોઈએ. જેથી તેમની પૂજા કરી શકાય. સ્વામી અવમુક્તેશ્વરાનંદે કહ્યુ ંકે, રામની પ્રાણ પ્રતિષ્ઠા બાદ જ પ્રતિમા સ્થાપી શકાય. રવિવારે જગતગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ વિશ્વ હિન્દુ પરિષદની ઝાટકણી કાઢતા કહ્યું કે, અયોધ્યામાં ધર્મસભા સ્પષ્ટ રાજકીય હતી. અમે કોમી એખલાસ બગાડ્યા સિવાય રામમંદિર બનાવવા ઈચ્છીએ છીએ. યુપીની ભાજપ સરકારે અયોધ્યામાં રામ પ્રતિમા બનાવવાની દરખાસ્ત કરી હતી.