(એજન્સી) કરનાલ,તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિખામણ છતાં ભાજપી નેતાઓ પોતાના વિવાદિત નિવેદનોને વળગી રહ્યા છે. હવે કરનાલના સાંસદ અને પંજાબ ન્યૂઝ કેસરીના એડિટર અશ્વિન કુમાર ચોપડાએ સપના ચૌધરીને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. હરિયાણાની ડાંસર સપના ચૌધરી કોગ્રેસમાં જોડાવાની અટકળો પર ભાજપ સાંસદે વિવાદીત ટિપ્પણી કરી છે સાંસદ અશ્વિન કુમાર ચોપડાએ કહ્યુ કે, કોંગ્રેસમાં ઠુમકા લગાવવાવાળા જે છે તે જ ઠુમકા લગાવશે, આ બધું કોગ્રેસે જોવાનું છે કે ચૂંટણી જીતવાની છે કે બસ ઠુમકા જ લગાવાના છે. સાંસદે સપના ચૌધરીને એક નાચવા કહીને વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. સાંસદે આ નિવેદન કરનાલમાં કલ્પના ચાવલા મેડીકલ હોસ્પિટલમાં જ્યારે નિરીક્ષણ કરવા માટે ગયા ત્યારે કરી હતી. આ નિવેદનને લઈ સાંસદની ચોમેર નિંદા થઈ રહી છે. લોકો સાંસદને મૂર્ખ કહી રહ્યા છે અને યૂઝરો તેઓને તેમના દાદા લાલા જગત નારાયણનું નામ ખરાબ કરવાનું કહી રહ્યા છે. યુઝર તેમની પાર્ટીમાં પણ એવી ડાન્સરો હોવાનો આરોપ લગાવી રહ્યા છે. આ ઘટના પહેલા જ હરિયાણાની ડાંસર સપના ચૌધરીએ કોગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી સાથે તેમના નિવાસ સ્થાન જનપથ કાર્યાલયમાં મુલાકાત કરી હતી. આ ઘટના પછી સપના ચૌધરી કોગ્રેસમાં જોડાવાની અટકળો ચાલુ થઈ ગઈ છે,પરંતુ કોંગ્રેસ તરફથી કોઈ આધિકારીક જાહેરાત અથવા પ્રતિક્રિયા આવી નથી.