અમદાવાદ, તા.૨૫
ગુજરાતમાં પાણીની તંગી સર્જાય નહીં તે માટે રાજ્ય સરકારે પાણી સંગ્રહ માટે જળસંચય અભિયાન શરૂ કર્યું હતું. ત્યારબાદ હવે સરકારે વરસાદ લાવવા માટે યજ્ઞ કરવાનું આયોજન કર્યું છે. એટલે કે, ર૧મી સદીમાં રાજ્ય સરકાર ૩૩ જિલ્લાઓમાં યદી કરાવશે. ગુજરાત આ સમયે પાણીની તંગીથી ઝઝૂમી રહ્યું છે. રાજ્યના જળ સંસોધનો ઝડપથી સુકાઈ રહ્યા છે. તેનાથી પરેશાન ગુજરાત સરકારને કુદરતની કૃપાની આશા છે. તેઓની ઈચ્છા છે કે, આ વર્ષે સારૂં ચોમાસુ રહે અને ઘણો વરસાદ પડે. તેને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિર્ણય લીધો છે કે, ૩૧ મેના રોજ ૩૩ જિલ્લાઓમાં ૪૧ પર્જન્ય યજ્ઞ કરવામાં આવશે. આ સિવાયના ૮ પ્રમુખ શહેરોમાં વરસાદ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવશે. યત્ર ગુજરાત સરકારના એક મહિનાથી ચાલી રહેલા સુજલામ સુફલામ જળ અભિયાનનું સમાપન કરશે. આ અભિયાનમાં નદીઓ, તળાવ, કેનાલ અને જળ સંસ્થાઓને આવનારા ચોમાસાની સિઝન માટે ઊંડા કરવાનું કામ કરવામાં આવશે. યજ્ઞ કરવાનો નિર્ણય બુધવારે થયેલી કેબિનેટની બેઠકમાં કરવામાં આવ્યો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, સરકારે સારા ચોમાસા માટે ૩૧ મેથી પર્જન્ય યજ્ઞ કરવાનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ યજ્ઞ આખા ગુજરાતમાં ૪૧ જગ્યાઓએ થશે. યજ્ઞ સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવામાં આવશે. હું અને મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યના અન્ય મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ આ યજ્ઞમાં સામેલ થશે. જેમાં અમે લોકો સાથે વાતચીત પણ કરશું. ગુજરાતમાં પડી રહેલી ગરમીને લીધે પાણીની તંગી ઘણી વર્તાઈ રહી છે. રાજ્યના ૨૦૪ બંધમાં પાણીનો સ્ત્રોત માત્ર ૨૯ ટકા જેટલો જ બચ્યો છે.