અમદાવાદ, તા.૩૧
સરદાર પટેલની જન્મજયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ બંને મહાનુભાવોને શબ્દાંજલિ અર્પણ કરી હતી. સરદાર પટેલે કુનેહપૂર્વક ભારત દેશમાં બધા રજવાડાઓને એક કરી ભારતમાં સમાવેશ કર્યા જ્યારે ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ભાગ કરી બાંગ્લાદેશની અલગ રાષ્ટ્ર તરીકે સ્થાપના કરી હતી. આમ દેશની એકતા અને અખંડિતતા માટે તેઓએ આપેલા બલિદાન ભૂલી શકાય નહીં.
સરદાર પટેલના ઐતિહાસિક તથ્યો સાથે વક્તવ્ય આપતા ભાવનગર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. વિદ્યુત જોષીએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ ઈતિહાસ લખવામાં નહીં પરંતુ ઈતિહાસ રચવામાં માનતા હતા. સરદાર પટેલની ખાસિયત એ હતી કે, તેઓ કોઈ પદના મોહતાજ ન હતા અને એટલે જ મહાત્મા ગાંધીએ ત્યારે સરદાર પટેલને પૂછ્યું કે, આઝાદ ભારતમાં આપ કયું ખાતુ લેવાનું પસંદ કરશો ? ત્યારે તેમણે જણાવ્યું કે, દોરી-લોટો લઈને ચાલતો થઈ જઈશ. સરદાર પટેલની દીર્ઘદ્રષ્ટિ નવી પેઢી માટે માર્ગદર્શક છે. આજે એવા લોકો ખોટા વિવાદો ઊભા કરી રહ્યા છે જે ઈતિહાસના તથ્યો પર સંપૂર્ણ ખોટા સાબિત થાય છે, મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર પટેલ અને પંડિત જવાહરલાલ નેહરૂએ આઝાદી જંગમાં સમજણ સાથે આગવું પ્રદાન કર્યું છે. ઈતિહાસના પન્ના ઉપર પંડિત જવાહરલાલ નેહરૂ અને સરદાર સાહેબની મિત્રતા સમજવા માટે વિશાળ દૃષ્ટી જોઈએ.
પૂર્વ સાંસદ નવીનચંદ્ર રવાણીએ જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબર કોંગ્રેસ પક્ષ અને રાષ્ટ્ર માટે ગૌરવનો દિવસ છે. સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીએ કોંગ્રેસ પક્ષને નેતૃત્વ આપ્યું જેના આપણે સૌ કાર્યકરો છીએ. ઈન્દિરા ગાંધીએ નાની ઉંમરે સમગ્ર દેશનો પ્રવાસ કરી નાગરિકોની ગરીબી, બેરોજગારી, પરેશાની જોઈને તેમનું દિલ દ્રવી ઉઠ્યું હતું. દેશના નાગરિકો માટે ઘર આંગણે ધાન્ય ઉત્પાદન માટે કૃષિ ક્રાંતિ કરી, જેના પરિણામે દેશના ૧૩૦ કરોડ નાગરિકો આજે ધાન્ય ભંડારનો ઉપયોગ કરી શકે છે અને વિદેશમાં પણ આપણે ઘઉં સહિતના ધાન્યની નિકાસ કરીએ છીએ શ્વેતક્રાંતિ પણ ઈન્દિરા ગાંધીની દીર્ઘદ્રષ્ટીનું પરિણામ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, આર.એસ.એસ. અને ભાજપ સતત જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. લોકોને તેમની સાથે જોડી શકાય તેવું એક પણ નેતૃત્વ તેમની પાસે ન હોવાથી જુઠ્ઠાણા ફેલાવીને વિવાદો ઊભા કરી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધી આપણી ધરોહર છે. આજના શાસકો યુવાનોના માનસને દૂષિત કરી રહ્યા છે, આઝાદી જંગમાં અંગ્રેજો સાથે રહીને ભારતની આઝાદી માટે યોગદાન ન આપનારા લોકોનું ભારત નિર્માણમાં કોઈ યોગદાન નથી. ભવ્ય ભૂતકાળ નથી એવા લોકો કોંગ્રેસ પક્ષનો ભવ્ય ઈતિહાસ ચોરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે, સરદાર પટેલના નામે આજે રાજનીતિ કરનારા લોકો દેશને જણાવે કે, તેઓ જે વિચારધારામાં માને છે ત આર.એસ.એસ. પર સરદાર પટેલે પ્રતિબંધ કેમ લગાવ્યો હતો ?
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, સરદાર સાહેબના નામે રાજનીતિ કરનારા શાસકો સરદાર સાહેબે સ્થાપેલી સંસ્થાઓને તોડી નાંખવા એક પછી એક પગલાં લઈ રહ્યા છે. સરદાર પટેલ પ્રતિમા કે પદના મોહતાજ નહોતા.