(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૨૯
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૩મી જન્મ જંયતી પ્રસંગે કેવડીયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાનાં છે, ત્યારે સરદાર પટેલનાં વંસજોને પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યા છે.સરદાર વલ્લભભાઈ પટેલનાં મોટાભાઈ કાશીભાઈનાં પ્રપૌત્ર ભુપેન્દ્રભાઈ પટેલ વલ્લભવિદ્યાનગરમાં મ્યુઝીક સેન્ટરનાં નામે વ્યવસાય કરે છે, જેઓએ જણાવ્યું હતું કે, સરદાર પટેલ ઈચ્છતા ન હતા કે તેઓનાં પરિવારમાંથી કોઈ રાજકારણમાં પ્રવેશ કરે અથવા તેઓનાં નામનો ઉપયોગ કરે જેનાં કારણે સરદાર પટેલનાં વંસજો રાજકારણથી ખૂબ જ દુર રહ્યા છે, અને કયારેય સરદાર પટેલનાં નામને વટાવવાનો પ્રયાસ કર્યો નથી, તેઓએ કહ્યું હતું કે, આજે નવી પેઢી તેમજ આવનારી પેઢીઓમાં સરદાર પટેલએ આપેલા યોગદાન અને તેઓનાં વિચારો પ્રસરે તે માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું છે, જે આનંદની વાત છે, જે રીતે વિશ્વમાં સરદાર પટેલનું યોગદાન ઉંચું છે, તેવી રીતે તેઓની આ પ્રતિમા પર ઉંચામાં ઊંચી છે, જેનું અમોને ગૌરવ છે, અને રાજય સરકાર દ્વારા તેઓને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ગોલ્ડ કાર્ડ આપવામાં આવ્યા છે, જેથી તેઓ આ ગૌૈરવવંતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જનારા છે, તેમ જણાવ્યું હતું.