(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસે ગુજરાતમાં સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમનું ઉદ્ધાટન કર્યું. ઉદ્ધાટન બાદ જનસભાને સંબોધિત કરતાં મોદીએ સરદાર સરોવર ડેમને ‘એન્જિનિયરિંગ ચમત્કાર’ ગણાવ્યો. મોદીએ કહ્યું કે આ ડેમ પ્રોજેક્ટની વિરૂદ્ધમાં ઘણો દુપ્રચાર કરવામાં આવ્યો ખોટી માહિતી ફેલાવવામાં આવી. તેમણે કહ્યું કે ૫ એપ્રિલ ૧૯૬૧ ના રોજ તત્કાલિન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરૂએ આ ડેમનો પાયો નાખ્યો હતો. પરંતુ છેક ૧૯૮૭ ની સાલમાં તેનુ બાંધકામ શરૂ થયુ. મોદીએ કહ્યું કે સરદાર સરોવર ડેમ ભારતની નૂતન અને ઉદય પામતી શક્તિનું એક પ્રતિક બનશે. અમેરિકાના ગ્રાન્ડ કોલી ડેમ પછી સરદાર સરોવર ડેમ વિશ્વનો બીજો સોથી મોટો ડેમ છે.
૧૦ મુદ્દાઓ
૧. સરદાર સરોવર ડેમ સૌથી મોટો છે તેમાં વપરાયેલી સામગ્રીના સંબંધમાં તે સૌથી મોટો ડેમ બની રહ્યો છે. નર્મદા નદી પરનો આ ડેમ ભારતનો ત્રીજો સૌથી મોટો સિમેન્ટનો ડેમ છે.
૨. વડાપ્રધાન મોદીએ તેમના જન્મદિવસે ગુજરાતમાં સૌથી મોટા સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને અર્પિત કર્યો. આ પ્રસંગ વડાપ્રધાન મોદીએ કહ્યું કે જે લોકોએ આ ડેમ વિશે ખોટી માહિતી ફેલાવી છે તે તમામના નામો મારી પાસે છે.
૩. ઉદ્ધાટન બાદ જનસભાને સંબોધિત કરતાં મોદીએ સરદાર સરોવર ડેમને ‘એન્જિનિયરિંગ ચમત્કાર’ ગણાવ્યો. મોદીએ કહ્યું કે આ ડેમ પ્રોજેક્ટની વિરૂદ્ધમાં ઘણો દુપ્રચાર કરવામાં આવ્યો ખોટી માહિતી ફેલાવવામાં આવી.
૪. અધિકારીઓએ કહ્યું કે આ ડેમ દ્વારા જે વીજ ઉત્પાદન થશે તેને મધ્યપ્રદેશ,મહારાષ્ટ્‌ અને ગુજરાત એમ ત્રણ રાજ્યોમાં વહેચણી કરવામાં આવશે. ડેમમાંથી પેદા થનારી લગભગ ૫૭ ટકા વીજળી મહારાષ્ટ્રને મળી રહી છે. મધ્યપ્રદેશને ૨૭ ટકા તો ગુજરાતને ૧૬ ટકા વીજળી મળી રહી છે.
૫. કાર્યકરો ઘણા લાંબા સમયથી માંગણી કરી રહ્યાં છે કે ડેમમાં પાણી ભરવાનું કામ તાત્કાલિક અટકાવી દેવુ જોઈએ અને ડેમના ગેટને ખુલ્લા રાખવા જોઈએ જેથી કરીને પાણીના સ્તરમાં ઘટાડો થાય.
૬. નર્મદા બચાવ આંદોલનના એક રિપોર્ટ અનુસાર ૪૦,૦૦૦ કરતાં પણ વધારે લોકોના જીવન પર ખતરો સર્જાયો છે.આ પ્રોજેક્ટની શરૂઆત વખતે મૂળ ખર્ચ ૬,૦૦૦ કરોડ આંકવામા આવ્યું.
૭. સરદાર ડેમમાં પાણીના પ્રવાહ વધી રહ્યો છે અને તે હાલના તબક્કે ૧૨૮.૫૦ મીટર વધી રહ્યો છે. જેને પરિણામે રાજઘાટ, નિસારપુર અને બીજા ગામો પર ડૂબવાનું સંકટ તોળાઈ રહ્યું છે.
૮. નર્મદા બચાવ આંદોલનના મેઘા પાટકર આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યાં છે અને ડેમના બાંધકામ દ્વારા અસર પામેલા લોકોના પુનઃવસનની માંગણી કરી રહ્યાં છે.
૯. તાજેતરમાં ડેમની ઊંચાઈ વધારીને ૧૩૮.૬૮ મીટર કરવામા આવી, જેનાથી ૪.૭૩ મિલિયન એકર ફીટ પાણીનો સંઘરો થઈ શકશે.
૧૦. ગુજરાત કોંગ્રેસના દાવા અનુસાર, આ પ્રોજેક્ટને પાર પાડવામા આવ્યો નથી અને છેલ્લા ૨૨ વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન હોવા છતાં પણ હજુ ૪૩,૦૦૦ કિમી લાંબી કેનાલનું બાંધકામ બાકી છે.