(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૯
મોસાળમાં જમણવાર અને મા પીરસનારની જેવી સ્થિતિ હાલ ગુજરાતમાં છે. કેન્દ્રમાં ભાજપની સરકાર છે તેમ છતાંય ગુજરાતની ભાજપ સરકારને કેન્દ્રની સરકારે થપ્પડ મારી છે. સરદાર સરોવર યોજનામાં ગુજરાતની ભાજપ સરકારે માંગેલી ગ્રાન્ટ કરતાં રૂા.૮ર૭.પ૧ કરોડની ઓછી ગ્રાન્ટ કેન્દ્ર સરકારે ફાળવી છે ત્યારે ફરી એકવાર ગુજરાતને કેન્દ્રનો હળહળતો અન્યાય થયો હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે.
ગુજરાત વિધાનસભામાં કોંગી ધારાસભ્યએ પ્રશ્ન પૂછયો હતો કે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ સરદાર સરોવર યોજના માટે કેટલી ગ્રાન્ટની માગણી કરવામાં આવી હતી. તેમજ માગણી કરેલી ગ્રાન્ટની સામે કેન્દ્ર સરકારે કેટલી ગ્રાન્ટ ફાળવી ? ત્યારે પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રીએ લેખિતમાં જણાવ્યું હતું કે તા.૩૧/પ/ર૦૧૯ની સ્થિતિએ સરદાર સરોવર યોજના માટે રાજ્ય સરકારે વર્ષ ર૦૧૭-૧૮માં રૂા.ર૩રર.૩૯ કરોડ જ્યારે વર્ષ ર૦૧૮-૧૯માં રૂા.ર૦૦૦.૪૧ કરોડની ગ્રાન્ટની માગણી કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી. ત્યારે કેન્દ્ર સરકારે વર્ષ ર૦૧૭-૧૮ માટે રૂા.ર૧૦૦.૯૬ કરોડ અને વર્ષ ર૦૧૮-૧૯ માટે રૂા.૧૩૯૪.૩૩ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. સરકારે આપેલા આંકડાઓ પરથી ફલિત થાય છે કે સરદાર સરોવર યોજના માટે સરકારે બે વર્ષમાં કુલ ૪૩રર.૮૦ કરોડની ગ્રાન્ટની કેન્દ્ર સરકાર સમક્ષ માગણી કરી હતી તેની સામે કેન્દ્ર સરકારે કુલ રૂા.૩૪૯પ.ર૯ કરોડની ગ્રાન્ટ જ ફાળવી છે. એટલે કે રૂા.૮ર૭.પ૧ કરોડની ઓછી ગ્રાન્ટ ફાળવીને કેન્દ્રએ ગુજરાતને થપ્પડ મારી છે.