નવીદિલ્હી,તા. ૧૭
જમ્મુ કાશ્મીરના અરણિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદે અંકુશ રેખા પર પાકિસ્તાની સૈનિકો દ્વારા રાતભર ભીષણ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેના પરિણામ સ્વરુપે એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય પાંચ લોકો ઘાયલ થયા છે. શરૂઆતમાં ભારતીય સૈનિકોએ સાવધાની રાખી હતી પરંતુ ગોળીબાર જારી રહેતા ભારતીય જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
કલાકો સુધી ગોળીબારની રમઝટ જામી હતી. જમ્મુમાં ઘાયલ થયેલા છ લોકોને જમ્મુમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકી એકનું મોત થયું હતું. મૃત્યુ પામેલી વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે. બીએસએફના અધિકારીએ માહિતી આપાત કહ્યું છે કે, અડધી રાતથી લઇને આજે સવાર સુધી ગોળીબારની રમઝટ જામી હતી. બીએસએફના ૬-૮ બીપીઓના વિસ્તારમાં અરણિયા સેક્ટરમાં ગોળીબાર અને તોપમારો કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે ૬.૪૫ સુધી ગોળીબારનો દોર ચાલ્યો હતો. છેલ્લા બે દિવસમાં અરણિયા સેક્ટરમાં પાકિસ્તાની દળો દ્વારા ત્રીજી વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસની અંદર આંતરરાષ્ટરીય સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને અવિરત ગોળીબાર જારી રાખવામાં આવ્યો છે જેમાં એક બીએસએફ જવાન શહીદ થયા છે અને અન્ય કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ૧૫મી સપ્ટેમ્બરના દિવસે બોર્ડર સિક્યુરિટી ફોર્સનો જવાન જમ્મુ કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં યુદ્ધવિરામ ભંગમાં શહીદ થયા હતા.