અમદાવાદ, તા.૧૧
ગુજરાત રાજયના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક યુવતીઓને રાજયના સરહદી વિસ્તારો, ત્યાંનું લોકજીવન ઐતિહાસિક તેમજ પુરતત્વીય સ્થળો, સાગરકાંઠો, રણ કાંઠો, રણ વિસ્તાર વગેરેનો પ્રત્યક્ષ પરિચય થાય તેમજ ત્યાંની મુશ્કેલીઓ અને હાડમારી વચ્ચે સરહદોનું રક્ષણ કરતા આપણા જવાનો વિશે માહિતી મેળવી શકે તે હેતુથી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજય યુવક બોર્ડના ઉપક્રમે દર વર્ષે કચ્છ બનાસકાંઠા જિલ્લાની સરહદી વિસ્તારો માટે આપણી સરહદોને ઓળખો પ્રવાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજયભરમાંથી મળેલી અરજીઓમાંથી પસંદ કરવામાં આવનાર કુલ ૨૦૦ યુવક યુવતીઓને આ સાહસિક કાર્યક્રમમાં ભાગ લેવાની તક આપવામાં આવશે. વધુમાં આ પ્રવાસમાં જોડાવા ઈચ્છતા યુવક યુવતીઓ કે જેમની ઉમર તા. ૧.૮.૨૦૧૭ના રોજ ૧૫ થી ૩૫ વર્ષની હોય તેમણે સાદા કાગળ પર પોતાનું ૧. નામ સરનામું મોબાઈલ નંબર, ૨. જન્મ તારીખ, ૩. શૈક્ષણિક લાયકાત, ૪. વ્યવસાય, ૫. રમત ગમત પ્રવૃત્તિ, પર્વતારોહણ તેમજ એનસીસીમાં જો ભાગ લીધો હોય તો તેની વિગતો, ૬. શારીરિક તંદુરસ્ત હોવા અંગેનું તબીબી પ્રમાણપત્ર, ૭. વાલીનો સંમતીપત્ર તેમજ તાજેતરમાં પડાયેલ પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ ૮. ઓળખકાર્ડ (ચૂંટણી કાર્ડ, સ્કુલ-કોલેજનું કાર્ડ) ૯. અગાઉ આ કાર્યક્રમમાં ભાગ લીધો હોય તો તેની વિગત વગેરે માહિતી દર્શાવતી અરજી તા. ૩૦.૦૯.૨૦૧૭ સુધીમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, રૂમ નંબર-૪૧૧, ત્રીજો માળ, ભુજ-કચ્છ, પીન કોડ નંબર ૩૭૦૦૦૧ને મોકલી આપવાની રહેશે.
પસંદગી સમિતિ દ્વારા યોગ્યતા ધરાવતા કુલ ૨૦૦ યુવક યુવતીઓની આ પ્રવાસમાં જોડાવા માટે પસંદગી કરવામાં આવશે. માત્ર પસંદગી પામેલ યુવક યુવતીઓને જ પત્ર દ્વારા જાણ કરવામાં આવશે. અન્ને ઉલ્લેખનીય છે કે, આ પ્રવાસમાં જોડાનાર યુવક યુવતીઓને પ્રવાસ ખર્ચ પોતે જ કરવવાનો રહેશે. જ્યારે નિવાસ ભોજનની વ્યવસ્થા રાજય સરકારના ખર્ચે કરવામાં આવશે, તેમ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.