તમામ ફિરકાના બૌદ્ધિકો સહિતના લોકો એક મંચ પર

ગુજરાત ટુડેની અપીલ હવે તો જાગો !!!

સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજની ફિરકા, મસ્લક અને વાળાબંધી દરકિનાર કરી બંધારણીય અધિકારની રક્ષા માટે સમાજ એક જૂથ થઈ પોતાનો અવાજ બુલંદ કરે અને પર્સનલ લોનું રક્ષણ કરે :  મઝહબી રેહનુમાઓ તથા સામાજિક અને રાજકીય આગેવાનો લોક જાગૃતિ માટે પ્રયત્ન કરે.

 

અમદાવાદ,તા.૧૩

વિશ્વના સર્વશ્રેષ્ઠ ઈસ્લામી કાનૂન એટલે કે શરીઅતના કાનૂનમાં તલાક અને બહુપત્નીત્વ અંગે તાજેતરમાં કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં સોગંદનામું રજૂ કરી પોતાની મુસ્લિમો પ્રત્યેની માનસિકતા છતી કરી છે. આઝાદીની લડતમાં અમૂલ્ય ફાળો આપનાર મુસ્લિમો પણ  આ દેશમાં સ્વતંત્રતાના એટલા જ અધિકારી છે જેટલા અન્ય ધર્મના લોકો. ભાગલા વખતે દેશના મુસ્લિમોને ખાતરી આપવામાં આવી હતી કે તેમને સમાન હક્ક અપાશે. ત્યારે કેન્દ્રની શરીઅતના કાનૂનમાં હસ્તક્ષેપ કરવાની આવી નીતિ વિરુદ્ધ  સમગ્ર દેશભરના મુસ્લિમોમાં ઉગ્ર વિરોધ  જોવા મળી રહયો છે જો કે આ મુદ્દે ‘ગુજરાત ટુડે’ દૈનિકે એક વર્ષ  અગાઉ મુસ્લિમ સમાજ જાગૃત બને  તે પ્રકારનો અહેવાલ પ્રગટ કર્યો હતો. પણ આ એક વર્ષના ગાળામાં કોઈ જ જાગ્યું નહીં. પણ હવે જો નહીં જાગીએ તો ઘણુ મોડું થઈ જશે મુસ્લિમ સમાજમાં આ મુદ્દે વિરોધનો વંટોળ જોવા મળી રહયો છે અને તમામ ફિરકાઓના  આલીમો સહિતના આગેવાનોએ આ મુદ્દે એક મંચ પર આવી વિરોધનો સૂર ફુકયો છે.

‘ગુજરાત ટુડે’એ એક વર્ષ અગાઉ આ ચળવળની શરૂઆત કરી હતી

 

 

શરીઅતના કાયદામાં કોઈપણ મુસ્લિમ દખલ નહીં સ્વીકારે

વડોદરા, તા.૧૩ : મુસ્લિમો કુર્આન, હદિસ અને શરીયતનાં કાનૂનને અનુસરે છે તેમાં કોઈપણ જાતની દખલગીરી કે ફેરફાર ભારતનાં મુસ્લિમો કોઈપણ રીતે સ્વીકારી શકે નહીં. મુસ્લિમ મહિલાઓ પણ શરીયતનાં કાનૂનને અનુસરે છે અને તેના ઉપર અમલ કરે છે. ટૂંકમાં ઈસ્લામ ધર્મમાં માનનાર પુરુષ કે મહિલા ક્યારેય પણ શરીયતનાં કાનૂનમાં કોઈપણ વ્યક્તિ કે સત્તા ફેરફાર કરે તે મુસ્લિમોને હરગીઝ સ્વીકાર્ય નથી. એમ વડોદરા ખાતેના જમિયેતે ઉલમાએ હિન્દ ગુજરાતના સેક્રેટરી જ. મુફતી ઈમરાને જણાવ્યું હતું.

 

 

પાલનપુરના પ્રખર વિદ્વાન મૌલાના અ.કુદ્દુસ નકવી કહે છે કે

મુસ્લિમ મહિલાઓને શરીઅતના કાયદા પર વિશ્વાસ છે

તલાક બાબતે મુસ્લિમ પર્સનલ લો વિરૂદ્ધ જઈને સરકારે જે સોગંદનામું કર્યું છે તેનો સમગ્ર મુસ્લિમ સમાજમાં આક્રોશ છે. મુસ્લિમ મહિલાઓની મોટી સંખ્યા ઈસ્લામના આ કાયદા પર વિશ્વાસ રાખે છે.  તલાક બાબતે અને ખાસ કરીને ત્રણ તલાક બાબતે ઈસ્લામે આપેલ સંપૂર્ણ જાણકારીના અભાવે ત્રણ તલાકનો દુરૂઉપયોગ થાય છે માટે સમાજમાં જાગૃતિ લાવી અને ખરી સમજ કેળવવાની જરૂર છે.

 

માંગરોળના મૌલાના મોહંમદ મઝાહરી કહે છે કે

શરીઅતના મામલામાં અમે કોર્ટની પણ દખલગીરીને સહન નહીં કરીએ

ઈસ્લામી શરિયતના મામલામાં અમો કોઈની પણ દખલગીરીને સહન ન કરી શકીએ અને આ બાબત ભારતના તમામ મુસ્લિમો માટે વજ્રઘાત સમાન છે. આ સિલસિલામાં કાઠિયાવાડ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જિલ્લાના તમામ  મદ્રેસાઓનાં જીમ્મેદારોને જોડવામાં આવેલ છે અને આવતીકાલની તારીખમાં એક અગત્યની કોન્ફરન્સનું આયોજન કરેલ છે. જેની કિયાદત મૌલાના જ મોહંમદ દાવડા મઝાહરી અને મૌલાના જ ઈકબાલ બેરા કરશે.

 

કેન્દ્ર સરકારની શરીઅત કાનૂનમાં દખલગીરીનો વિરોધ કરતા મુફ્તી રિઝવાન તારાપુરી

ઈસ્લામમાં માણસે બનાવેલા કાયદાની જરૂર નથી : શરીઅતનું કાનૂન સંપૂર્ણ

અમદાવાદ, તા.૧૩

શરીઅતના કાનૂનમાં કેન્દ્ર સરકારની દખલગીરી મુદ્દે પ્રતિક્રિયા આપતા ઓલ ઈન્ડિયા મિલ્લી કાઉન્સિલ, ગુજરાતના પ્રમુખ મુફ્તી રિઝવાન કાસમી તારાપુરીએ જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી સત્તામાં આવેલી ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે. ત્યારે હવે યુપીમાં ચૂંટણી આવી રહી છે. એટલે હિન્દુ વોટને મજબૂત કરવા અને આરએસએસના એજન્ડાઓને પાર પાડવા માટે કેન્દ્ર સરકારે શરીઅતના કાનૂનમાં દખલગીરી કરવાનું શરૂ કર્યું છે. તેમને કોઈ હક્ક જ નથી કે તેઓ શરીઅતના કાનૂનમાં દખલગીરી કરે. શરીઅતના કાનૂનને અનુસરવાનો મુસ્લિમોને હક્ક છે અને તેના ઉપર જ મુસ્લિમો કાયમ રહેશે અને જો સરકાર તેમાં દખલગીરી કરી સમાન સિવિલ કોડ લાગું કરશે તો મુસ્લિમો જરૂર પડશે તો તેની સામે વિરોધ પણ કરશે. વધુમાં મુફ્તી તારાપુરીએ ઉમેર્યું હતું કે જે લોકોને તેમના ધર્મએ કોઈ કાનૂન આપ્યો નથી તેઓને કાનૂનની જરૂર છે. સરકાર તેમના માટે કાનૂન બનાવે. પરંતુ ઈસ્લામ ધર્મમાં શરીઅતનું કાનૂન સંપૂર્ણ છે. એટલે ઈસ્લામમાં માણસે બનાવેલા કાયદાની કોઈ જ જરૂર નથી.

 

 

શરીઅતનો કાનૂન બદલવાની વાત નાગરિક સ્વતંત્રતા પર તરાપ

સરકારો તો આવે છે ને જાય છે, ઈસ્લામી કાનૂનને કોઈ નહીં બદલી શકે : મુફ્તી મહેબૂબ આલમ

(સંવાદદાતા દ્વારા)                                                                                            અમદાવાદ, તા.૧૩

દુનિયાના સર્વશ્રેષ્ઠ ઈસ્લામી કાનૂન એટલે કે શરીઅતના કાનૂનમાં કેન્દ્ર સરકારની દખલગીરી અંગે તીવ્ર પ્રતિક્રિયા આપતા જમીઅતે ઉલમાએ ગુજરાત સાથે સંકળાયેલા મુફ્તી મહેબૂબ આલમે જણાવ્યું હતું કે ઈસ્લામનો કાનૂન એ આસમાની કાનૂન છે. તે હુઝૂર (સ.અ.વ.)ની સુન્નતોને અનુસરે છે. જેમાં કેન્દ્ર સરકારની તો શું કોઈની પણ દખલગીરી મુસ્લિમો હરગિઝ નહીં ચલાવે. કારણ કે દુનિયામાં ઈસ્લામની શરૂઆતથી આ કાનૂન અમલમાં છે જેમાં કોઈએ પણ કદી પણ કોઈ ફેરફાર કર્યો નથી. અંગ્રેજોએ પણ આ કાનૂન માન્ય રાખ્યો હતો. સરકારો તો આવે છે ને જાય છે પણ કોઈએ હજુ સુધી શરીઅતનો કાનૂન બદલવાની આવી વાતો કરી નથી. આ તો લોકશાહીમાં નાગરિકોની સ્વતંત્રતા પર સરકારની તરાપ છે. મોદી સરકાર ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં અન્ય લોકોને ખુશ કરી મત મેળવવા માટે આ પ્રકારની સાજિશો રચી રહી છે. જ્યારે દેશમાં મોંઘવારી, આંદોલનો સહિતના પ્રશ્નો ઉભા થયા છે ત્યારે મોદી સરકાર પોતાની ખામીઓને સંતાડવા અને પ્રજાનું ધ્યાન બીજે દોરી પોતાનું કામ કાઢવા માટે આવું કરી રહી છે. જેને મુસ્લિમો કોઈપણ હાલતમાં ચલાવી લેશે નહીં.

 

 

શરીઅત આધારિત કાયદાઓને કયામત સુધી બદલી શકાશે નહીં : જલાલીબાપુ

શરીઅતના કાયદામાં દખલગીરીનો પ્રયાસ નિંદનીય છે : મુફ્તી ઈલ્યાસ

(સંવાદદાતા દ્વારા)                                                આણંદ, તા.૧૩

શરીઅતનાં કાનુનમાં કેન્દ્ર સરકારની દખલગીરી સામે મુસ્લીમ સમાજમાં રોષ પ્રવર્તી રહ્યો છે,ત્યારે આણંદ જિલ્લાનાં ઉલેમાઓએ પણ તેનો વિરોધ દર્શાવી ઈસ્લામનાં શરીયત આધારીત કાયદાઓને કયામત સુધી કોઈ બદલી શકશે નહી તેમ જણાવ્યું હતું, આણંદ શહેરનાં હજરત સૈયદ પીરેતરીકત ગુલામરસુલ ઉર્ફે જલાલીબાપુ કારંટાવાળાએ જણાવ્યું હતું કે હઝરત મોહંમદ મુસ્તુફા(સ.અ.વ)ની સરીયત અને કુરઆનને મુસ્લીમો અનુસરે છે.અને દરેક સમસ્યાનું સમાધાન કુરઆનમાં આપેલું છે,અને સરીયત અને કાનુન આધારીત કાયદાઓમાં છેલ્લા પાછલા ૧૪૦૦ વર્ષમાં કોઈ બદલાવ થયો નથી,તેમજ કયામત સુધી તેમાં કોઈ પણ બદલાવ લાવી શકશે નહી. કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટમાં સોંગદનામું કરી શરીયતનાં કાનુનમાં દખલગીરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે,તેને મુસ્લિમ સમુદાય કયારેય સાંખી લેશે નહી. જમીઅતે ઉલેમાએ હિંદનાં આણંદ જિલ્લાનાં પ્રમુખ મુફતી ઈલ્યાસએ જણાવ્યું હતું કે ત્રણ તલાકનો કાનુન સરીયત અને હદીસ આધારીત છે.અને શરીયત તેમજ કુરઆન આધારીત કાયદાને દુનિયાનો કોઈ મુફતી,મોલવી કે વ્યકિત બદલી શકતો નથી,અને ભારતનાં બંધારણમાં દરેક ધર્મનાં લોકોને તેઓનાં ધર્મનાં નિતી નિયમોને અનુસરવાની છુટ આપેલી છે.અને ભારતનાં બંધારણને બદલવાની સત્તા સુપ્રિમકોર્ટને પણ નથી.ત્યારે કેન્દ્ર સરકારે શરીયતનાં કાયદાઓમાં દખલગીરી કરવાનો જે પ્રયાસ કર્યો છે.તે નિંદનીય છે,અને ફકત મુસ્લિમનાં શરીયતનાં જ કાયદા નહી પણ ખ્રિસ્તી,શીખ કે કોઈ પણ ધર્મનાં કાયદાઓને પણ જો બદલવાનો પ્રયાસ કરવામાં આવશે તો તેનો અમે ચોક્કસ વિરોધ કરીશું.