(સંવાદદાતા દ્વારા) વાપી, તા.૧૪
એશિયાડ ઓલમ્પિક ઇન્ડોનેશિયામાં ગોલ્ડ મેડલ મેળવનાર કુ.સરિતા ગાયકવાડનો સન્માન વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને ધરમપુર નગરપાલિકાના મેરેજ હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, ધારાસભ્યો સર્વે અરવિંદ પટેલ, કનુભાઇ દેસાઇ, ભરત પટેલે પ્રાસંગિક ઉદ્‌બોધનમાં સરિતા ગાયકવાડની સિદ્ધિને બિરદાવી ભવિષ્યમાં એના કરતાં પણ વધુ સારૂં પ્રદર્શન કરે તેવી શુભકામના પાઠવી હતી. વાપી નગરપાલિકા દ્વારા (૫૧,૦૦૦) હજારનો પુરસ્કાર વાપી શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મિતેશ દેસાઈ, વાપી નગરપાલિકા પ્રમુખ – ટીનાબેન હળપતિ, ઉપપ્રમુખ – વિઠ્ઠલભાઈ પટેલ, વાપી નગરપાલિકા લાઈટ અને ફાયર સમિતિના ચેરમેન – વર્ષાબેન પટેલ, મહામંત્રી દિલીપ પાટીલ, જિલ્લા બક્ષીપંચ પ્રમુખ નાથુ પટેલ અને દુર્લભ પટેલના હસ્તે આપવામાં આવ્યો હતો. કુ.સરિતા ગાયકવાડને જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતો, વિવિધ કચેરીઓ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા કુલ ૧૪.૪૦ લાખની રકમના ચેક અર્પણ કર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. જિલ્લા રમતગમત અધિકારી મહેશ પટેલે આભારવિધિ આટોપી હતી.