(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૩૧
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એશિયન ગેમ્સમાં સુવર્ણચંદ્રક મેળવનાર ડાંગની સરિતા ગાયકવાડને એક કરોડના પુરસ્કારની જાહેરાત કરતા તેની સામે સરકારની ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની યોજનામાં સુવર્ણ ચંદ્રક જીતનારને રૂા. બે કરોડ આપવાની જોગવાઈઓને લઈ ઉહાપોહ સાથે વ્યાપક ચર્ચા શરૂ થઈ જવા પામી હતી. ત્યારે મોડેથી સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે સરિતા ગાયકવાડ ટીમ ઈવેન્ટમાં વિજયી થઈ હોઈ તચેને ૩૩ ટકા લેખે રૂા.૬૬ લાખ મળે તેને બદલે મુખ્યમંત્રીએ ૧ કરોડનું પ્રોત્સાહન જાહેર કર્યું છે.
ઇન્ડોનેશિયાના જાકાર્તામાં ચાલી રહેલી એશિયાન રમતોત્સવમાં ગુજરાતની આદિવાસી દિકરી સરિતા ગાયકવાડે ૪-૪૦૦ મીટરની દોડમાં ગોલ્ડમેડલ જીતીને ગુજરાતને ગૌરવ અપાવ્યું તેના માનમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા તેમને એક કરોડ ઇનામ તરીકે આપવાની જાહેરાત કરી છે. પરંતુ સરકારની રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગની વેબસાઇટ પર મૂકાયેલી યોજનાની માહિતી સાચી હોય તો સરિતા ૧ કરોડ નહીં પણ ૨ કરોડની હક્કદાર ખેલાડી છે. કેમ કે વેબસાઇટ પર જણાવાયું છે કે એશિયાન રમતમાં ગોલ્ડ મેડલ જીતનારને ૨ કરોડ મળશે. શું મુખ્યમંત્રીને તેની જાણ ના કરાઇ પછી અધિકારીઓએ મુખ્યમંત્રીને જાણીજોઇને અંધારામાં રાખ્યા? તે સહિતનો પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.
ગુજરાત સરકારે ખેલાડીઓને પ્રોત્સાહન આપવાની યોજના અંતર્ગત વેબસાઇટ પર કયા રમતોત્સવમાં કયો મેડલ જીતવાથી સરકાર કેટલું ઇનામ આપશે તેની જાણકારી અને રકમ પણ લખી છે. જેમાં એશિયાન રમતોમાં ગોલ્ડ
મેડલ મળે તો ૨ કરોડ, કોમનવેલ્થમાં જીતે તો ૧ કરોડ મળે અને ઓલ્મિપિકમાં ગોલ્ડમેડલ જીતે તો ૫ કરોડ આપવાની જાહેરાત પોલીસી પ્રમાણે કરેલી જ છે ત્યારે જો સીએમઓ દ્વારા કે અધિકારીઓએ આ વેબસાઇટ જોઇને મુખ્યમંત્રીને જાણ કરી હોત તો તેને ૨ કરોડ મળી શક્યા હોત. સીએમઓ દ્વારા એમ કહેવાયું છે કે કુલ રોકડ રકમ ૧ કરોડ જ છે. રમતગમત વિભાગ અન્ય કોઇ પ્રોત્સાહન આપે તો અલગ. આમ આદિવાસી યુવતી સરિતાને ગોલ્ડ મેડલ માટે રોકડ ઇનામ આપવામાં પણ રૂપાણી સરકાર ગોટે ચઢી ગઇ છે. વેબસાઇટમાં ૨ કરોડ, રૂપાણી દ્વારા ૧ કરોડ તો ખરેખર સરકારની રોકડ રકમના ઇનામની પોલીસી શું છે તે સ્પષ્ટ થવુ જોઇએ એમ સ્પોર્ટ સાથે જોડાયેલા વર્તુળો માની રહ્યાં છે. વેબસાઇટમાં જે રકમ મૂકવામાં આવી છે તે જે તે વખતે સરકારે ચર્ચા કરીને નક્કી કરી હશે. હવે જ્યારે ગોલ્ડ મેડલ મળ્યો છે ત્યારે આદિવાસી દિકરીને અન્યાય ના થાય અને ૧ કરોડ નહીં પણ ૨ કરોડ મળે તેવો સુધારો રૂપાણી સરકારે કરવો જોઇએ. નહીંતર ગોલ્ડમેડલમાં પણ આધિવાસી દિકરી સાથે ઘોર અન્યાય થયો કહેવાશે.