(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.રર
ગુજરાત વિધાનસભામાં આજરોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની માગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગરીબ દર્દીઓ માટે જીવાદોરી સમાન વી.એસ.હોસ્પિટલ બંધ થયાનો મુદ્દો ઉપસ્થિત કરી આ હોસ્પિટલને અગાઉની જેમ જ પૂર્ણ ક્ષમતા સાથે કાર્યાન્વિત કરવા માગણી કરી હતી. ગ્યાસુદ્દીન શેખ સાથે કોંગ્રેસના સિનિયર ધારાસભ્યો વિરજી ઠુમ્મર, વિક્રમ માડમ, ગેનીબેન ઠાકોર વગેરે પણ જોડાયા હતા.
કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય વીરજી ઠુમ્મરે જણાવ્યું હતું કે, વી.એસ.હોસ્પિટલનો લાભ માત્ર અમદાવાદ શહેરના જ નહીં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના લોકો પણ લે છે. જ્યારે વિક્રમ માડમે આરોગ્ય વિભાગનો હવાલો સંભાળતા નાયબ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રથી આવતા ગરીબ દર્દીઓને અમદાવાદમાં પ્રવેશતા સૌથી નજીક વી.એસ. હોસ્પિટલની સેવા મળે છે. ઘણા ગંભીર દર્દીઓને હું વી.એસ.હોસ્પિટલ સારવાર અર્થે મોકલું છું ત્યારે હવે ત્યાં ગરીબ દર્દીઓને દાખલ કરવાની ના પાડી દેવામાં આવે છે. આવા ગરીબ દર્દીઓને વી.એસ.થી દસેક કિ.મી. દૂર આવેલ સિવિલ હોસ્પિટલ જવા સિવાય અન્ય કોઈ આરો રહેતો નથી. આ રૂટ ટ્રાફિકથી સૌથી વ્યસ્ત રૂટ હોય છે. મારી માહિતી મુજબ, આના કારણે છેલ્લા ચારેક માસમાં સમયસર સારવાર નહીં મળવાને કારણે સૌથી વધુ ગંભીર દર્દીઓએ જાન ગુમાવવાનો વારો આવ્યો છે. આથી વી.એસ.હોસ્પિટલ અગાઉની જેમ જ ચાલુ રહે તેવી કાર્યવાહી કરવા તેમણે માગણી કરી હતી.
વાવ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી ગેનીબેન ઠાકોરે પણ વી.એસ. હોસ્પિટલમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સુપર સ્પેશ્યાલીસ્ટ મળતી તમામ સેવાઓ અગાઉની જેમ જ ચાલુ રાખવા માગણી કરી હતી.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે રૂા.૭પ૦ કરોડના ખર્ચે વી.એસ.હોસ્પિટલ પરિસરમાં નવી એસવીપી હોસ્પિટલ શરૂ કરી છે. નવી હોસ્પિટલ શરૂ કરવી તે સારી વાત છે પરંતુ પાછલા બારણે જૂની વી.એસ.હોસ્પિટલ બંધ કરવી તે નિંદનીય કૃત્ય છે. નાગરિકોને અંધારામાં રાખી ટુકડે ટુકડે વી.એસ.હોસ્પિટલ બંધ કરવાનું ષડયંત્ર રચાયું છે. જે નિર્ણયથી અમદાવાદના હજારો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ગંભીર અસર થઈ છે.
એસવીપી હોસ્પિટલ શરૂ થયાના થોડાક દિવસો બાદ મ્યુનિ.એ વી.એસ.હોસ્પિટલમાં મા અમૃતમ કાર્ડ સેવા બંધ કરી હતી. આ પહેલાં તમામ સુપર સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરોની નવી એસવીપીમાં બદલી કરી દીધી હતી. જૂની વી.એસ.હોસ્પિટલના સર્જરી અને મેડીસીન વિભાગ સહિતના તમામ ૧૬ વોર્ડમાં આઈ.સી.યુ. બેડ બંધ કરી દીધા છે. આ તમામ નિર્ણય સૂચવે છે કે, સત્તાધીશોને વી.એસ.હોસ્પિટલના બેડ ૧૧પપથી ઘટાડીને પ૦૦ કરવામાં રસ નથી પરંતુ આખી હોસ્પિટલ જ બંધ કરી દેવી છે. વી.એસ.હોસ્પિટલમાં સર્જરી થતી નથી અને ઓપીડી સેવા પણ દેખાડા પૂરતી જ ચાલે છે.
શેખ સહિત કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોએ સરકાર સમક્ષ માગણી કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર વી.એસ.હોસ્પિટલને અગાઉની જેમ ચાલુ રાખવા જરૂરી આદેશ આપે અને તેના માટે જરૂરી ગ્રાન્ટ આપે. વી.એસ.હોસ્પિટલ ચલાવવા સરકાર વાર્ષિક રૂા.બે કરોડ આપતી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂા.૧૦૦થી ૧પ૦ કરોડનો ખર્ચ કરતી હતી. હવે રાજ્ય સરકાર વી.એસ.હોસ્પિટલ માટે રૂા.૧૦૦ કરોડની ગ્રાન્ટ આપી હોસ્પિટલ પુનઃ શરૂ કરાવે તેવી માગણી કરી હતી.
કોંગ્રેસના તમામ ધારાસભ્યો આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવશે
વી.એસ.હોસ્પિટલની સેવાઓ સુપર સ્પેશ્યાલીસ્ટ અને તમામ સ્ટાફ સાથે પુનઃ કાર્યાન્વિત કરવાની માગણી સાથે કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યો સહી ઝુંબેશ શરૂ કરી આવતીકાલે મંગળવારે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જશે અને આવેદનપત્ર પાઠવશે.
મારી રજૂઆતો બાદ આવક અને સારવારની મર્યાદામાં
વધારો કરવા બદલ સરકારને અભિનંદન
રાજ્યમાં મા વાત્સલ્ય યોજના બનાવવા માટે ધારાસભ્ય તરીકે અગ્રેસર રહી મેં જે રજૂઆત કરી હતી તે યોજનામાં અગાઉ આવકમર્યાદા રૂા.૧.ર૦ લાખની અને લાભાર્થીને મળતો લાભ રૂા.ર લાખનો હતો. આ સફળ યોજનામાં રાજ્ય સરકારે ઉત્તરોત્તર વધારો કરી રૂા.૪ લાખની આવકમર્યાદા સાથે રૂા.પ લાખની નિઃશુલ્ક સારવાર મળતી કરી છે. આ ગરીબ લોકો માટેની યોજના સાથે હું શરૂઆતથી જ જોડાયેલો રહ્યો છું. જેથી હું ખુશી-આનંદની લાગણી અનુભવું છું અને આવકમર્યાદા તથા સારવારની મર્યાદાઓમાં વધારો કરવા બદલ ગરીબ અને મધ્યમ વર્ગ વતી રાજ્ય સરકારને અભિનંદન આપું છું અને મા વાત્સલ્ય, મા અમૃતમ યોજના તથા આયુષ્માન યોજનાનો લાભ જે હાલમાં વી.એસ.હોસ્પિટલમાં બંધ કરવામાં આવ્યો છે તે પુનઃ ચાલુ કરવા પણ માગણી કરી હતી. એમ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું છે.
Recent Comments