Ahmedabad

સરકાર બનાવવા ખોબલે-ખોબલે મત આપ્યા હવે રૂા.૧પ લાખ જમા કરાવો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
લોકસભાની ર૦૧૪ની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીએ વચન આપ્યું હતું કે દરેકના ખાતામાં રૂા.૧પ લાખ જમા કરાવીશું. તેથી અમે ભાજપની સરકાર બનાવવા ખોબલે-ખોબલે મત આપીને અમારી ફરજ નિભાવી પરંતુ અમારા ખાતામાં હજુ સુધી રૂા.૧પ લાખ જમા થયા નથી ત્યારે અમારા ખાતામાં રૂા.૧પ લાખ જમા ના કરાવીને નરેન્દ્ર મોદી છેતરપિંડી કરી છે. તેથી તેમની સામે કલમ ૪ર૦નો ગુનો દાખલ થાય તે વ્યાજબી નથી. એમ વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખીને જૂનાગઢના એક નાગરિકે રૂા.૧પ લાખ બેંક ખાતામાં જમા કરાવવા માંગ કરી છે. જૂનાગઢના વંથલી નાવડા ખાતેના વાવણી રમેશકુમાર રામજીભાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને ખુલ્લો પત્ર લખ્યો છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ થયેલા આ પત્રમાં રમેશકુમારે વડાપ્રધાનને સંબોધતા લખ્યું છે કે તમારા વચન મુજબ અમે તમને મત આપ્યા. હવે દરેક ભારતીય નાગરિકના ખાતામાં રૂા.૧પ લાખ જમા કરાવવાની ફરજ તમારી છે. ‘રઘુકૂળ રીત સદા ચલી આયી, પ્રાણ જાએ પણ વચન ના જાએ’ મુજબ તમે આપેલા વચન મુજબ અમારા ખાતામાં રૂા.૧પ લાખ જમા કરાવવા રિઝર્વ બેંકના ગવર્નરને હુકમ કરો. અમને રૂપિયા આપવાના બદલે તમે ભૂતાન, મોંગોલિયા, બાંગ્લાદેશ, મોરેશિયસ જેવા બીજા દેશોને અબજો રૂપિયાનું દાન આપ્યું છે ત્યારે અમને શા માટે નહીં ? શું તમારે અમારી સાથે અંગત અદાવત છે ? તો પછી અમારા રૂપિયા અમને કેમ નહીં ? બીજા દેશની જનતાને શા માટે ? નહીંતર પાછા મત લેવા આવવના છો ને ?? જેવા પ્રશ્નો પત્રમાં પૂછાયા છે અને પત્રમાં ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ રૂા.૧પ લાખ આપવાના વચન આપ્યું હતું તે મુજબ રૂપિયા ૧પ લાખ જમા કરાવવા માંગ કરી હતી.