(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૭
માનવ અધિકાર સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે સરકારને અપીલ કરી છે કે, તે ભયનું વાતાવરણ સર્જાવાને બદલે આઝાદીની રક્ષા કરે, આ નિવેદન ભીમા કોરોગાંવ હિંસાની તપાસમાં સંડોવણીની શંકામાં ભારતભરમાંથી કરાયેલી ધરપકડો અંગે આવ્યું છે. એમ્નેસ્ટી ઇન્ડિયાએ કહ્યું કે, મહારાષ્ટ્ર પોલીસે સમગ્ર દેશમાં માનવ અધિકાર કાર્યકરોના ઘરે દરોડા પાડ્યા છે. આ પગલાને કારણે એવા પણ સવાલો ઉઠશે કે તેમની સક્રીયતાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેણે કહ્યું કે, કેન્દ્ર સરકારે લોકોના વાણી સ્વતંત્રતા, સંસ્થા અને શાંતિપૂર્ણ દેખાવોની સુરક્ષા કરવી જોઇએ. પોલીસે અગ્રણી કાર્યકરો અને વકીલોના ઘરે ૩૧મી ડિસેમ્બર ૨૦૧૭ના રોજ પૂણે ખાતે યોજાયેલી એલગાર પરિષદમાં માઓવાદી સામેલગીરીની શંકામાં તપાસ મુદ્દે આ દરોડા પાડ્યા હતા. સૂત્રો અનુસાર આ કાર્યક્રમમાં આપેલા ભાષણોને પગલે ભીમા કોરેગાંવમાં બીજા દિવસે હિંસા ભડકી હતી. આ અંગે વિવિધ સ્થળોથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં માનવ અધિકાર કાર્યકર અને પત્રકાર ગૌતમ નવલખા, લેખક અને કાર્યકર પી વારાવારા રાવ, કર્મશીલ વેર્નોન ગોન્ઝાલ્વેસ, અરૂણ ફેરારિયા અને સ્ટાન સ્વામી તથા નાગરિક અધિકાર વકીલ સુધા ભારદ્વાજનો સમાવેશ થાય છે. ગોવામાં નાગરિક અધિકાર કાર્યકર આનંદ તેલતુંબડેના ઘરે સર્ચ હાથ ધરાયું હતું. એમ્નેસ્ટીએ એમ પણ કહ્યું કે, ભીમા કોરેગાંવ હિંસામાં સંડોવણી મુદ્દે જે પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે તેઓનો ભારતના કેટલાક સૌથી વધુ હાંસિયામાં ધકેલાયેલા લોકો માટે કામ કરવાનો ઇતિહાસ છે.