(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
સંસદમાં કેટલીક વખત અચાનક ઈતિહાસ રચાઈ જાય છે. ગત સપ્તાહે રાજ્યસભામાં પણ કંઈક આવું જ થયું. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના ઉપાધ્યક્ષ પદે ચૂંટાવા બદલ જેડી(યુ)ના ઉમેદવારને અભિનંદન પાઠવ્યા. આ સમયે કોંગ્રેસના ઉમેદવાર બી.કે.હરિપ્રસાદનું અપમાન થતું હોય તેવું લાગ્યું. આ સમગ્ર ઘટનાક્રમ મામલે ગૃહમાંથી માત્ર એક જ સાંસદે વિરોધ નોંધાવ્યો. લાલુ પ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (રાજદ)ના સાંસદ મનોજ ઝાએ રજૂઆત કરી કે, આવું વર્તન એક સાંસદના અપમાન સમાન છે.
આ ઘટનાક્રમ અંગે કોંગ્રેસ પાર્ટીનું વલણ ગૂંચવણભર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ ગૃહમાં આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. ભોજન બાદ જ્યારે સંસદની કાર્યવાહી ફરી યોજાઈ ત્યારે કોંગ્રેસના સાંસદોએ નહીં પણ રાજદના ઝાએ જોરશોરથી આ મુદ્દો ઊઠાવ્યો હતો. દિલ્હી યુનિવર્સિટીમાં પ્રોફેસર ઝાએ કાનૂની જોગવાઈઓ ટાંકી અપમાનનો આ મુદ્દો ઊઠાવ્યો હતો. ઝાએ જણાવ્યું હતું કે, મોદીનું નિવેદન અને વર્તન હરિપ્રસાદ અને સમગ્ર ગૃહના અપમાન સમાન છે. કાનૂની જોગવાઈ અને નિયમોને જોતાં રાજ્યસભાના ચેરપર્સન વેંકૈયા નાયડુ પાસે કોઈ વિકલ્પ ન હતો અને તેમને આ ટિપ્પણી રેકોર્ડમાંથી કાઢી નાંખવાની ફરજ પડી હતી. ઝાએ જણાવ્યું હતું કે, મને આશા છે કે, મોદી ભવિષ્યમાં આવી ટિપ્પણી નહીં કરે. એટલી ટિપ્પણીથી ભાવિ પેઢીમાં ખોટો સંદેશ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોદીએ ઉપાધ્યક્ષ તરીકે પસંદગી બદલ એનડીએના ઉમેદવારને અભિનંદન પાઠવતાં કરેલી ટિપ્પણી વિવાદનું કેન્દ્ર બની હતી.