(એજન્સી) તા.૧૧
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા મંગળવારે ભારતના નાગરિકતા સંશોધન બિલ પર ટિપ્પણી કરવાથી ઇન્કાર કરી દીધો છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જણાવામાં આવ્યું છે કે તેમની એકમાત્ર ચિંતા એ છે કે દરેક દેશ બિન ભેદભાવપૂર્ણ કાયદાનો ઉપયોગ કરે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના ઉપ પ્રવક્તા ફરહાન હકને જ્યારે બિલ પસાર થવા અંગે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિક્રિયા અંગે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે જ્યાં સુધી મને ખબર છે, આ કાયદો એક કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થશે. અમે તેના પર કોઇ ટિપ્પણી નહીં કરીએ, જ્યાં સુધી સ્થાનિક કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવતી નથી. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવના પ્રવક્તાએ કહ્યું કે અમારી ચિંતા માત્ર એટલી સુનિશ્ચિત કરવાની છે કે દરેક સરકાર ભેદભાવ વિનાના કાયદાઓનો ઉપયોગ કરે. ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ ૩૧૧ મતથી પાસ થઇ ગયું જ્યારે વિપક્ષમાં ૮૦ મત પડ્યા હતા. જેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલ હિન્દુ, શિખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ ધર્મના શરણાર્થીઓ માટે નાગરિકતાના નિયમોને આસાન બનાવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતના નાગરિકતા સુધારા બિલની ચર્ચા હવે સમગ્ર દેશ સહિત દુનિયાભરમાં થઇ રહી છે. મોદી સરકાર બેફામ રીતે હવે કાયદાઓ પસાર કરવામાં જરાય ખચકાતી નથી. કેમ કે તેની પાસે બહુમતી છે એટલા માટે કાયદાઓ પસાર કરવામાં તેને જરાય અડચણનો સામનો પણ કરવો પડતો નથી.