અમદાવાદ, તા.૮
સિંહોની ઓળખ સમા ગીરમાં એશિયાઈટીક ર૩ સિંહોના મોત નિપજી ચૂક્યા છે. જે મુદ્દો રાજ્યમાં ખૂબ જ બીચક્યો હતો. જેમાં ભારે હોબાળા વચ્ચે સરકારની સ્થિતિ કફોડી બની હતી. રાજ્ય સરકારે સોમવારના રોજ ર૩ સિંહોના મોત મામલે હાઈકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો હતો. ગીર અભ્યારણ્યમાં ૧૧ સપ્ટેમ્બરથી ર ઓક્ટોબર દરમિયાન વિવિધ કારણોસર સિંહોના મોત થયા છે. આ તમામ સિંહોના મોત ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં કરમદડી રાઉન્ડમાં રોણિયાં વિસ્તારમાં નોંધાયા છે. શનિવારે વનવિભાગ અને રાજ્યના પશુપાલન વિભાગ વચ્ચે બેઠક મળી હતી અને ગીર અભ્યારણ્યની આસપાસના વિસ્તારોમાં પશુઓ અને કૂતરાઓની રસીકરણ મામલે ચર્ચા થઈ હતી. ર૩ સિંહોના મોત થયા છે જે પછી અન્ય સિંહોને ચેપ ન લાગે તે કારણે રસીકરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકારે સિંહોના મોતના મુદ્દે હાઈકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો છે. ગુજરાત સરકારે રજૂ કરેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં પચાસ હજાર કૂવાઓ ખુલ્લા હતા. વનવિભાગે ૩૨ હજાર કૂવાઓ ફરતે સુરક્ષા માટે દિવાલ બનાવી છે. હજી પણ બાકી ૧૭ હજાર ખુલ્લા કૂવા ઢાંકવામાં આવશે. કૂવાઓ ઢાંકવા માટે સરકાર સબસિડી પણ આપશે. એક કૂવાને ઢાંકવા માટે ૧૬ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે. સરકારે ખાનગી ખેતરોમાં આવેલા કૂવાઓને પણ ઢાંકવા સરકારે ખાતરી આપી છે. કલેક્ટર અને ડીડીઓ કૂવા ઢાંકવા ખાસ ડ્રાઈવ ચલાવશે.