(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
મોદી સરકારમાં લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ મંગળવારે જણાવ્યું હતું કે, આ વર્ષથી કોઇ હજ સબસિડી આપવામાન નહીં આવે. ભારતમાંથી આ વર્ષે હજયાત્રા માટે જનારા ૧.૭૫ લાખ હજયાત્રીઓને હવેથી સબસિડીનો લાભ અથવા સસ્તી ટિકિટોનો લાભ નહીં મળે તેમ મોદી સરકારના લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસે આજે જાહેરાત કરી હતી. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ આજે આની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ મોટું પગલંું મુસ્લિમોને સ્વમાન સાથે સશક્ત બનવામાં મદદ કરશે અમે ખુશામત વિના સશક્તિકરણમાં માનીએ છીએ. નકવીએ જણાવ્યંુ હતું કે, હજ સબસિડી સમાપ્ત કરી દેવાઇ છતાં સઉદી અરબે ભારતના ક્વોટામાં ૫૦૦૦ હજયાત્રીઓનો વધારો કરતા આ વર્ષે રેકોર્ડ ૧.૭૫ લાખ લોકો હજયાત્રાએ જશે. નકવીએ જણાવ્યું કે, મુસ્લિમોને તેનાથી લાભ મળતો નથી. અમે સ્વમાન સાથે જીવવામા માનીએ છીએ. આ સબસિડીના નાણાને છોકરીઓના શિક્ષણ પાછળ ખર્ચાશે.
દરમિયાન નકવીએ જણાવ્યું કે, સઉદી અરબ જહાજ દ્વારા લોકોને હજ પર મોકલવા માટે રાજી થઇ ગયું છે જે યાત્રા વિમાની સેવા કરતા સસ્તી પડશે. તેમણે ઉમેર્યું કે, બંને દેશોના અધિકારીઓ આ અંગેની માહિતી એકઠી કરવાનું કામ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૨માં હજ સબસિડીને ૨૦૨૨ તબક્કાવાર સમાપ્ત કરી દેવા માટે કહેતા સરકારે હજ સબસિડી સમાપ્ત કરવા સહિતના વિવિધ સવાલો ઉઠાવવા પેનલને કહ્યું હતું. લઘુમતી બાબતોના મંત્રાલયે પેનલને ૨૦૧૮-૨૨ સુધી નવી હજ નીતિ ઘડવા કહ્યું હતું. તેણે પોતાનો રિપોર્ટ ઓક્ટોબર માસમાં રજૂ કરી દીધો હતો.ત્યારે નકવીએ સંકેત આપી દીધા હતા કે, આ વર્ષથી હજ સબસિડી સમાપ્ત કરી દેવામાં આવી શકે છે. નકવીએ જણાવ્યું કે, કોંગ્રેસના સમયમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે હજ સબસિડીને દૂર કરી દેવી જોઇએ. તેથી સમિતીની ભલામણોના આધારે નવી નીતિમાં અમે નક્કી કર્યું હતું કે, હજ સબસિડીને તબક્કાવાર સમાપ્ત કરી દેવામાં આવે.
કેટલાક દિવસ પહેલા સરકારે ૪૫ વર્ષથી વધુ વયની મહિલાઓને મહેરમ વિના ચાર લોકોના જૂથ સાથે હજ પર જવાની પરવાનગી આપી હતી. આ પહેલા મહેરમ વિના મહિલાઓ હજ પર જવા માટે પરવાનગી નહોતી જેમાં મહિલાના પતિ અથવા ભાઇનો સમાવેશ થતો હતો. પૂર્વ સચિવ અફઝલ અમાનુલ્લાહની અધ્યક્ષતાવાળી સમિતીના ભલામણોમાં હજ સબસિડીને સમાપ્ત કરવા અને વૃદ્ધ મહિલાઓને મહેરમ વિના હજ પર મોકલવાની પરવાનગી આપવાનું સામેલ હતું.
ભારતમાં અન્ય ધર્મોની યાત્રાઓને પણ સરકાર સબસિડી આપે છે
દેશની સરકાર દ્વારા ફકત હજ જ એક માત્ર યાત્રા નથી કે જેને સરકાર દ્વારા ભંડોળ અપાતું હોય. સરકાર દ્વારા અન્ય ધર્મોની સંખ્યાબંધ યાત્રાઓને આર્થિક સહાય આપવામાં આવે છે. જેમ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા હરિદ્વાર, ઉજ્જૈન, નાસિક અને અલ્હાબાદના કુંભ મેળાઓ માટે નોંધપાત્ર રકમ ફાળવાય છે. આ ઉપરાંત ઉત્તર ભારતમાંથી તિબેટના પર્વત સુધીની વધુ એક યાત્રા કે જે કૈલાશ માનસરોવર યાત્રાના નામે ઓળખાય છે. તેનું આયોજન સરકાર દ્વારા થાય છે અને સરકાર દ્વારા જ સલામતી અને આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે. ગત અઠવાડિયે જ ઉત્તરાખંડની સરકારે માનસરોવર યાત્રાળુઓ માટે અપાતી સબસિડી રૂા.રપ હજારથી વધારીને ત્રીસ હજાર કરી દીધી છે.
ન્યુઝ પોઈન્ટ
હજ સબસિડી અંગે આરંભથી જ લોકોમાં ભ્રમ પેદા કરવામાં આવ્યો છે. હકીકતમાં આ પ્રક્રિયા ભારતીય સરકાર અને સઉદી અરેબિયાની સરકાર વચ્ચેની સાંંઠગાંઠનો એક ભાગ છે કેમ કે, હાજીને તેના જ નાણાંમાંથી સબસિડીના નામે ખર્ચ પેટે અમુક રકમ આપવામાં આવે છે ત્યારબાદ હજ કમિટી મારફતે જતાં હાજીઓ માટે સઉદીમાં ક્યાં ભાડે ઘર નક્કી કરવામાં આવ્યું કે, ટિકિટનું ભાડું કેટલું ગણાય તે અંગે ખુલાસો કરાતો નથી. મંત્રી નકવી કહે છે કે, સબસિડી રદ કર્યા બાદ ૭૦૦ કરોડ રૂપિયા બચશે પણ વાસ્તવમાં આ નાણાનું કોઈ અસ્તિત્વ જ નથી જેનો કોઈ લાભ હાજીઓ કે મુસ્લિમોને મળતો નથી. એ શકય છે કે, આ રકમ સરકારનો નફો હોઈ શકે પણ જો ગણતરી કરવામાં આવે તો ૭૦૦ કરોડનો આંકડો પણ ગળે ઉતરતો નથી કારણ કે, ભારત સરકાર દર વર્ષે હજ યાત્રા થકી ખરબો રૂપિયાનો નફો કરતી હોવાનું કહેવાય છે. તદુપરાંત આ ૭૦૦ કરોડ રૂા. સબસિડીની ગુલબાંગ ફકત ૮પ ટકા વિરુદ્ધ ૧પ ટકાના ધ્રુવીકરણ માટે તો પોકારવામાં આવતી નથી ને ?? આ ભ્રમ અંગે સરકારે સ્પષ્ટતા કરવાની જરૂર છે કેમ કે, સબસિડી ખતમ કરી દીધાની જાહેરાતથી આ વાત પૂરી થતી નથી. સરકારે સૌથી મોટો ખુલાસો એ વાતનો કરવો જોઈએ કે તેને એક હાજીનો ખર્ચ કેટલો પડે છે.
આશા રાખીએ કે સરકાર સુપ્રીમના આદેશનું સન્માન કરી હજ સબસિડીના રૂપિયા લઘુમતીઓના ઉત્કર્ષ માટે ખર્ચ કરશે : કોંગ્રેસ
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
કેન્દ્ર સરકાર દ્વારા હજ સબસિડીને રદ કરવાના નિર્ણય બાદ કોંગ્રેસ નેતા ગુલામનબી આઝાદે કહ્યું કે સરકારે સુપ્રીમકોર્ટ દ્વારા હજ સબસિડીને રદ કરવાની નક્કી કરેલી સમય મર્યાદા પહેલાં જ આને રદ કરી દીધી છે. અમને આમાં કોઈ વાંધો નથી. તેમણે કહ્યું કે સુપ્રીમકોર્ટના નિર્ણયના પાર્ટ-૧ને જ સરકારે લાગુ કર્યો છે અને મને લાગે છે કે, સરકાર આ નિર્ણયના પાર્ટ-રને પણ લાગુ કરશે. હું સ્પષ્ટ કહેવા માંગું છું કે, સબસિડીથી હાજીઓને નહીં પણ એરલાઈન્સ કંપનીઓને ફાયદો મળે છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે હજયાત્રીઓને મળનારી હજ સબસિડી રદ કરવાની સરકારની ઘોષણા પર કહ્યું કે આ નિર્ણય ન્યાયમૂર્તિ આફતાબ આલમની ખંડપીઠે ર૦૧રમાં આપ્યો હતો. ન્યાયાલયે હજયાત્રાની સબસિડીને ર૦રર સુધી ધીમે ધીમે રદ કરવાનો સરકારને આદેશ આપ્યો હતો. પણ મોદી સરકારે આને સાડા ચાર વર્ષ પહેલાંથી તેને રદ કરી દીધી હતી. આઝાદે કહ્યું કે ન્યાયમૂર્તિ આફતાબ આલમની ખંડપીઠના નિર્ણયમાં એમ પણ કહ્યું કે સબસિડીથી જે રૂપિયા બચશે તેનો ઉપયોગ ગરીબ લઘુમતીના શિક્ષણ અને સામાજિક વિકાસ માટે ખર્ચ કરવામાં આવશે. તેઓને આશા છે કે, સરકાર આ નિર્ણયનો સમ્માન કરશે અને સબસિડીના રૂપિયાનો ઉપયોગ ન્યાયાલયના આદેશ અનુરૂપ કરશે.
હજ સબસિડી પરત ખેંચાયા બાદ યુપી સરકારના ૨૫૦૦ કરોડના રાજ્ય ભંડોળથી ચાલતી અર્ધ કુંભ યાત્રા પર નજર
(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૬
ભારત સરકારે મંગળવારે સુપ્રીમ કોર્ટના ૨૦૧૨ના આદેશનો સહારો લઇ ઘણા વર્ષોથી ચાલતી હજ સબસિડીને સમાપ્ત કરી દીધી હતી જેમાં કહેવાયું હતું કે, ૧૦ વર્ષના ગાળામાં આ યોજનાને તબક્કાવાર સમાપ્ત કરી દેવી જોઇએ. સરકારના આ નિર્ણયનો કેટલાક મુસ્લિમ સંગઠનોએ સ્વાગત કર્યું છે જેઓ આ મદદને બિનઇસ્લામિક ગણાવતા હતા. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જાહેરાત કરતા કહ્યું કે, સ્વમાન સાથે અને તૃષ્ટિકરણ વિના લઘુમતીઓને સશક્ત બનાવવાની અમારી નીતિનો એક ભાગ છે. ધાર્મિક માન્યતા અનુસાર આ પવિત્ર યાત્રા એજ લોકો કરી શકે જેઓ પોતાની મહેનતથી કમાવેલા નાણાનો ખર્ચ કરી આ યાત્રા કરતા હોય.
ધાર્મિક યાત્રા સબસિડી વિરૂદ્ધ બંધારણ
ધાર્મિક યાત્રાની સુરક્ષા અંગે વિવિધ ચિંતાને પગલે મૂળભૂત રીતે સરકારને વિવિધ યાત્રાઓની જાળવણી માટે નાણાકીય સહાય અપાય છે. તાજેતરમાં જ દિલ્હી સરકારે પ્રસ્તાવ કર્યો હતો કે, મુખ્યમંત્રી તિર્થ યાત્રા અંતર્ગત ૭૭૦૦૦ લોકો યાત્રા કરી શકશે. મધ્યપ્રદેશ સરકારપોતાની યોજનાઓ અંતર્ગત સિનિયર સિટીજનો અને પોતાના અધિકારીઓ માટે વિવિધ યાત્રઓ માટે સબસિડી આપે છે. મધ્યપ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાંથી પાકિસ્તાનના નાનકા સાહિબ, હિંગળાજ માતા મંદિર, ચીનના કૈલાશ માન સરોવર, કંબોડિયાના અંગકોર વાટ અને શ્રીલંકાના સીતા મંદિર અને અશોક વાટ જવા માટે સબસિડી આપવામાં આવે છે. દિલ્હી ઉપરાંત દેશના અન્ય રાજ્યો જેમ કે, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોના નાગરિકોને માનસરોવરની યાત્રા માટે પ્રતિ યાત્રાળુએ ૧.૫ લાખ રૂપિયાની રાહત અપાય છે. આ તમામ યોજનાઓ સુપ્રીમ કોર્ટના આર્ટિકલ ૨૭નું ઉલ્લંઘન કરે છે. હિંદુ યાત્રા કુંભમાં દર વર્ષે મોટા ભાગના નાણા સબસિડીનાનામે ખર્ચાય છે. જેમાં હરિદ્વાર, અલ્હાબાદ, નાસિક અને ઉજ્જૈન,કુંભ જેવી યાત્રાઓમાં અકસ્માત જેવી ઘટનાઓમાં પણ નાણા ચુકવાય છે. વર્ષ ૨૦૧૬માં કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાઓને મહત્વ અપાયું હતું. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે ઉજ્જેૈનમાં ઉજવાતા સિમહસ્તા મહાકુંભ માટે ૧૦૦ કરોડ અલગથી ફાળવ્યા છે જ્યારે રાજ્ય સરકાર તેના માટે ૩૪૦૦ કરોડ રૂપિયા ફાળવે છે. યોગી આદિત્યનાથની આગેવાની વાળી યુપી સરકારે ગયા વર્ષે આગામી ૨૦૧૯માં યોજાનાર અર્ધ કુંભ મેળા માટે ૨૫૦૦ કરોડનું વિશાળ ભંડોળ ખર્ચવાની જાહેરાત કરી હતી.
Recent Comments