અમદાવાદ, તા.૬
પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફીની માગ સાથે ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલને ઉપવાસના ૧૩માં દિવસે તબિયત લથડી હતી. ઉપવાસને લીધે હાર્દિકને અશક્તિ આવી જતા તે ઊભો પણ થઈ શકતો ન હતો. જેના લીધે તેને ઉપવાસી છાવણીમાં જવા અને બહાર નીકળવા માટે પણ વ્હીલચેર અને મિત્રોનો સહારો લેવો પડી રહ્યો છે. જો કે સરકારે સમાધાન માટે તૈયારી દર્શાવી ન હોવાથી હાર્દિકે ગુરૂવારે સાંજે જળત્યાગ કર્યો હતો. ઉપવાસના ૧૩માં દિવસે હાર્દિકની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા અને દેશના પૂર્વ પેટ્રોલિયમ મંત્રી દિનશા પટેલે હાર્દિકને સમર્થન આપી જણાવ્યું હતું કે, હાર્દિકની માગણીઓ વ્યાજબી હોવાથી તેનો ઉકેલ લાવવામાં ૧૩ દિવસ થવા ના જોઈએ. વધુમાં તેમણે સરકારને આડેહાથ લેતા કહ્યું હતું કે હું જ્યારે મંત્રી હતો ત્યારે પેટ્રોલ ડીઝલમાં એક રૂપિયાનો ભાવ વધારો થાય તો વિપક્ષના સભ્યો મને જૂતાનો હાર પહેરાવવા આવ્યા હતા. જો કે આજે પેટ્રોલનો ભાવ રોજ વધી રહ્યો છે. ત્યારે સરકારે જાતે જ જૂતાનો હાર પહેરવો જોઈએ. ગુજરાતના ખેડૂતોના દેવા માફી અને પાટીદાર સમાજને અનામત મળે એ અંગે હાર્દિક પટેલ ૨૫ ઓગસ્ટ ૨૦૧૮થી ઉપવાસ ઉપર બેઠો છે. પાસ કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસનો આજે ગુરુવારે ૧૩મો દિવસ છે. ૧૩માં દિવસે હાર્દિક પટેલની તબિયત બગડી રહી છે. તો પાટીદાર રાજકીય નેતાઓ હાર્દિક પટેલને મળવા માટે આવી રહ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ પણ હાર્દિકને મળવા આવી રહ્યા છે. આજે ગુરુવારે કોંગ્રેસ સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે હાર્દિક પટેલની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા હતા. હાર્દિક પટેલની માંગણીઓ વ્યાજબી છે. તેના નિકાકરણ માટે ૧૩ દિવસ ન થવા જોઇએ એવું દિનશા પટેલે જણાવ્યું હતું. આ ઉપરાંત દિનશા પટેલે હાર્દિકની તમામ માંગો સાથે સહમતી દર્શાવી હતી. ત્યારબાદ દિનશા પટેલે નિવેદન આપ્યું હતું કે, “હું હાર્દિક પટેલની માંગણીઓ સાથે સહમત છું, પટેલ સમાજ હોય કે પછી અન્ય કોઇ સમાજ હોય. જ્યારે નીતિમત્તા સાથેની માગણીઓ હોય ત્યારે હંમેશા નિષ્ટાપૂર્વક વિચાર કરવો જોઇએ. નિષ્ઠા પૂર્વક વિચારણા થાય તો આ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. એટલે સૌએ વિચારવું જોઇએ અને સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ. આમા કોઇ એકલા પટેલ સમાજનો વિચાર નથી પરંતુ સમગ્ર સમાજના નબળા વર્ગના લોકો છે એ તમામ લોકો માટે વિચારવું આજે જરૂરી બની ગયું છે. એનું કારણ એટલું જ છે કે, બધી જ દિશામાંથી પ્રજા પીસાઇ રહી છે.” વધુમાં તેમણે કહ્યું હતું કે હું પોતે એમ માનું છું કે ઉપવાસ એ ગાંધીજીનું હથિયાર છે અને આ હથિયાર કોઈ લઈ શકે નહીં. હાર્દિકની સ્થિતિ જ્યારે નાજુક હોય ત્યારે સરકારે આજ સાંજ સુધીમાં આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. એમ દિનશા પટેલે જણાવ્યું હતું. જ્યારે રાજસ્થાન સરકારમાં મંત્રીપદે રહી ચૂકેલા અને કોંગ્રેસના નેતા અસરાર અહેમદે પણ ગુરૂવારે હાર્દિકની મુલાકાત કરી તેના ઉપવાસને સમર્થન આપ્યું હતું ત્યારબાદ તેઓએ હાર્દિકની માગને યોગ્ય ગણાવીને જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકતંત્ર સરકારની તાનાશાહી હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્રણ કિલોમીટર પહેલાં તેમને રોકી દેવામાં આવ્યા હતા. મારી જ્ઞાતિ પૂછવામાં આવી, ઓળખકાર્ડ માગવામાં આવ્યું હતું. એમ અસરાર અહેમદે જણાવ્યું હતું. તદ્‌ઉપરાંત હાર્દિકના ઉપવાસના ૧૩મા દિવસે તેને સમર્થન આપવા માટે ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશનમાંથી જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સહિતની જગ્યાએથી જુનિયર ડોક્ટરો મળવા માટે આવ્યા હતા.