(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈ અને જજ એસ.કે. કૌલની બેંચે રિપોર્ટ સ્વીકારી રેકર્ડ ઉપર મૂકી અને આગામી સુનાવણી ૧૬મી નવેમ્બરે રાખી. સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા સામેની તપાસ રિપોર્ટ રજૂ કરવામાં સીવીસીએ ર૪ કલાક મોડું કર્યું હતું જેથી સુપ્રીમ કોર્ટને સુનાવણી મોકૂફ રાખવા ફરજ પડી હતી. સરકાર તરફે સોલિસિટર જનરલે સીલ બંધ કવરમાં રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી. રિપોર્ટ રજૂ કરવામાં થયેલ વિલંબથી કોર્ટની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. સીજેઆઈએ કહ્યું, તમે રજિસ્ટ્રી સમક્ષ રિપોર્ટ દાખલ કરવા નહીં આવ્યા અમે રવિવાર હોવા છતાંય ઓફિસ ૧૧.૩૦ સુધી ચાલુ રાખી હતી. એસજીએ કહ્યું કે, અમને મોડું થઈ ગયું અને રજિસ્ટ્રી બંધ થઈ હતી. એની સામે જજે કહ્યું કે તમોએ રજિસ્ટ્રીને સૂચના આપી હોત તો એ તમારી રાહ જોવા તૈયાર હતા પણ તમોએ કોઈ સૂચના પણ નહીં આપી આની સામે એસજીએ કોર્ટની માફી માગી હતી. દરમિયાનમાં આલોક વર્મા તરફે હાજર રહેલ વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે, તમે અધિકારીને બરતરફ કરવા રાત્રે ર.૦૦ વાગે ઓફિસ ખોલી શકો છો પણ રિપોર્ટ રજૂ કરતી વખતે હાજર નથી રહેતા. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવે લીધેલ નિર્ણયોની રિપોર્ટ પણ રજૂ કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે એ.કે. બસ્સીની અરજીની સુનાવણી કરવા પણ સંમતિ આપી હતી. બસ્સીએ પોતાની બદલીને પડકારી હતી. એમની બદલી કોઈપણ પ્રક્રિયા વિના પોર્ટ બ્લેર ખાતે કરાઈ હતી.