(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના ભાજપ સરકારના અત્યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનો પ્રશ્ન આજે વિધાનસભા ગૃહમાં ચર્ચાતા તેમાં કામ કરનાર ખાનગી કંપનીને તો બખ્ખાં જ હોવાનો મુદ્દો વિપક્ષ કોંગ્રેસે રજૂ કર્યો હતો. સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીને જમીન, વીજળી, કરવેરા વિગેરેમાં રાહત આપ્યા બાદ તે જે રોકાણ કરે તેના બદલામાં દરરોજ રૂા.પ૭ પ્રતિ એક હજાર લીટરના દરે ૧૦૦ મિલિયન લીટર મીઠું પાણી સરકાર બે વર્ષ સુધી મેળવી શકશે અને તે પછી કન્સેશન પિરિયડ દરમિયાન ભાવમાં દર વર્ષે ઉત્તરોત્તર ૩ ટકાના વધારા સાથે સરકાર મીઠું પાણી ખરીદશે જેના લીધે પ્રતિ વર્ષ રૂા.ર૯૬ કરોડ અને રપ વર્ષનો કોન્ટ્રાક્ટ હોઈ તેમાં રૂા.૭૪૦૮ કરોડ સરકાર પોતાની તિજારીમાંથી કંપનીને મીઠા પાણી માટે ચૂકવશે. એટલું જ નહીં આવા કુલ આઠ પ્રોજેક્ટ દરિયા કિનારા વિસ્તારમાં સરકાર શરૂ કરવા જઈ રહી હોઈ તે માટે સરકાર આશરે રૂા.પ૯,ર૪૮ કરોડ જેટલા ચૂકવશે તેવી ચોંકાવનારી વિગતો આજે બહાર આવી છે.
વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા જામનગર જિલ્લાના ખારા પાણીને મીઠું કરવાના પ્રોજેક્ટની વિગતો શાસક ભાજપ પક્ષ દ્વારા બહુ સારી રીતે રજૂ કરાઈ હતી અને તેમાં સરકારે રૂપિયો પણ રોકાણ કરવાનું નથી ને આપણો પાણીના દુષ્કાળનો પ્રશ્ન પણ હલ થઈ જશે તેવી વાતો કરાઈ હતી જેની સામે વિપક્ષ કોંગ્રેસ દ્વારા તલસ્પર્શી અભ્યાસ સાથે સમગ્ર વિગત બહાર લાવવામાં આવી હતી. કોંગી ધારાસભ્ય ચિરાગ કાલરીયાના પ્રશ્નના જવાબમાં સરકાર તરફથી પાણી-પુરવઠા મંત્રીએ લેખિત જવાબમાં જ ખાનગી કંપની જોડિયા વોટર ડિસેલીનેશન લિ. કામ કરી રહી હોવાની તથા તેની પાસેથી ઉપરોકત દરે સરકાર પાણી દરરોજ ખરીદશે તેવી વિગતો રજૂ કરાઈ હતી.
જેની સામે વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે સરકાર બધી રાહતો ખાનગી કંપનીને પ્રોજેક્ટ શરૂ કરવા આપે છે અને તેના અંદાજે રૂા.૭૦૦ કરોડના રોકાણ સામે તે ત્રણ વર્ષમાં જ બધુ વસૂલી લે તેમ હોવા છતાં તેને રપ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દઈ સરકાર કરોડો રૂપિયા તેના બદલામાં પાણી પેટે તેને ચૂકવશે. આ બધુ કરવાને બદલે સરકાર પોતે જ રોકાણ કરે તો સરકારના નાણાં બચે તથા આવક પણ થાય. પોતાના અભ્યાસના આંકડા સાથે વિપક્ષ નેતાએ કહ્યું કે, રૂા.પ૭ પ્રતિ એક હજાર લીટરે દરરોજ ૧૦૦ મી.લી. લીટર પાણી સરકાર લેશે. તેના પેટે પ્રતિ દિન રૂા.પ૭ લાખનો ખર્ચ થશે. આ હિસાબે એક વર્ષમાં રૂા.ર૯૬.ર૪ કરોડ અને રપ વર્ષમાં ૭૪૦૮.૯૮ કરોડ રૂપિયા સરકાર તિજોરીમાંથી ચૂકવશે. સરકાર આવા કુલ આઠ પ્રોજેક્ટ રાજ્યોમાં શરૂ કરવાની છે અને તેના પાયલટ પ્રોજેક્ટ તરીકે આ પ્રોજેક્ટ હાથ ધરાયો હોઈ તેના હિસાબ આ બધા આઠ પ્રોજેક્ટમાં સરકાર દ્વારા રપ વર્ષમાં કુલ રૂા.પ૯,ર૪૭.૮૪ કરોડ ખાનગી કંપનીઓને ચૂકવાશે. આની સામે પ્રોજેક્ટ હાથ ધરનાર કંપનીને એક પ્રોજેક્ટ માટે રૂા.૭૦૦ કરોડનો ખર્ચ થશે તો આઠ પ્રોજેક્ટના રૂા.પ૬૦૦ કરોડનું રોકાણ થશે અને તેની સામે તેઓ રૂા.પ૯,ર૪૭.૮૪ કરોડ લઈ જશે અને આ બધા બાદપણ પ્રોજેક્ટની માલિકી તો રાજ્ય સરકારની ગણાશે નહીં.
વધુમાં આ પ્રોજેક્ટ અંગે આક્ષેપો કરતાં વિપક્ષ નેતાએ કહ્યું હતું કે આના ટેન્ડરમાં માત્ર બે એજન્સીઓએ જ ભાગ લીધો હતો અને તેમાં સરકારની રહેમનજર હેઠળ રીંગ થયાની તથા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવાની આશંકા તેમણે વ્યક્ત કરી હતી.

મીઠા પાણીના પ્લાન્ટનું મેઈન્ટેનન્સ સહિત તમામ ખર્ચ કંપની ભોગવશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરિયાના ખારા પાણીને મીઠું બનાવવાના જામનગર જોડિયા ખાતે પીપીપી ધોરણે શરૂ થનાર પ્લાન્ટની માત્ર પ.૭ પૈસે પ્રતિલિટર પાણી વપરાશકારોને મળશે, તેમજ દુષ્કાળ જેવી સ્થિતિમાં મીઠું પાણી મેળવવાનો વધુ વિકલ્પ ગુજરાતની પ્રજાને મળશે, તેમ જણાવ્યું હતું. વિધાનસભામાં આ પ્રશ્નની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, આ માટે થયેલ નિયત ટેન્ડર શરતો અનુસાર સંબંધિત પ્લાન્ટનું મેઈન્ટેનન્સ, પાવર બિલ સહિત તમામ ખર્ચ જે તે કંપની ભોગવશે. ગુજરાતના ૧૬૦૦ કિ.મી. લાંબા દરિયા કિનારાના સાત જિલ્લાઓમાં દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન દ્વારા મીઠું બનાવવાના પ્લાન્ટ માટેની પ્રક્રિયાઓ જુદા જુદા તબક્કામાં છે. આ જિલ્લાઓમાં પણ વપરાશકારોને બજારમાં મળતા પ્રતિલિટર મીઠા પાણીથી સસ્તુ પાણી વપરાશકારોને મળશે.