(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૭
પ્રગતિશીલ ગુજરાતમાં સરકારી નોકરીઓ આપવાની કામગીરી મંદગતિએ ચાલી રહી છે. એટલે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં સરકારે માત્ર પ૪૯૭ બેરોજગારોને સરકારી નોકરી પુરી પાડી છે. એટલે કે વર્ષે ર૭પ૦ બેરોજગારોને જ રોજગારી પૂરી પાડવામાં આવી છે. જ્યારે સરકાર દર વર્ષે લાખો યુવાનોને સરકારી નોકરીઓ આપવાના વાયદા કરે છે. પરંતુ વિધાનસભામાં સરકારે આપેલી સરકારી નોકરીઓના આંકડા પરથી ફલિત થાય છે કે સરકારે લાખો યુવાનોને સરકારી નોકરી આપવાના કરેલા વાયદા ફોક સાબિત થયા છે. તેના લીધે આજે રાજ્યમાં ૪.ર૪ લાખ બેરોજગારો નોંધાયેલા છે. જેમાં ૪.૦ર લાખ તો શિક્ષિત બેરોજગાર અને રર,પ૯૯ અર્ધશિક્ષિત બેરોજગાર છે. ત્યારે રાજ્યમાં ભણીને પણ યુવાનોને બેરોજગારીનો જ સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યમાં બેરોજગારી અને સરકારી નોકરી અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે લેખિતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ૪,ર૪,૯૯૦ બેરોજગારો નોંધાયેલ છે તે પૈકી ૪,૦ર,૩૯૧ શિક્ષિત અને રર,પ૯૯ અર્ધશિક્ષિત છે. રાજ્ય સરકાર મોટી-મોટી જાહેરાતો જોરશોરથી કરે છે, દર વર્ષે લાખો યુવાનોને સરકારી નોકરીઓ આપવામાં આવશે. પરંતુ વરવી વાસ્તવિકતા એ છે કે બે વર્ષમાં માત્ર પ,૪૯૭ બેરોજગારોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે. એટલે કે વર્ષે ર,૭પ૦ બેરોજગારોને બેરોજગારી પૂરી પાડવામાં આવે છે. રાજ્યના વડોદરા, સુરત, ખેડા, નવસારી, દાહોદ, નર્મદા અને મોરબી જિલ્લામાં બે વર્ષમાં એક પણ બેરોજગારને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી નથી. જ્યારે ડાંગ જિલ્લામાં બે વર્ષમાં ૧, તાપી અને જામગનર જિલ્લામાં બે વર્ષમાં માત્ર બે-બે બેરોજગારોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી છે.
તેવી જ રીતે નોંધાયેલા શિક્ષિત બેરોજગારીના આંકડા પર નજર કરીએ તો સૌથી વધુ ૪ર,૩ર૩ શિક્ષિત બેરોજગારો અમદાવાદમાં ત્યારબાદ વડોદરામાં ર૬,૭૭પ, સુરતમાં ર૩,૧૪૧, આણંદમાં ૧૯૩૯૯, ભાવનગરમાં ૧૭,૪૦૮, ખેડામાં ૧૬,પ૬૮ બેરોજગારો ચોપડે નોંધાયેલ છે.

ક્યાં કેટલા બેરોજગારો

ક્યાં કેટલા બેરોજગારો
જિલ્લાનું નામ શિક્ષિત બેરોજગારો અર્ધશિક્ષિત બેરોજગાર
અમદાવાદ ૪ર,૩ર૩ ૪૪૧ર
વડોદરા ૨૬,૭૭૫ ૮૯૧
સુરત ૨૩,૧૪૧ ૮૭૯
આણંદ ૧૯,૩૯૯ ૬૯૦
ભાવનગર ૧૭,૪૦૮ ૧૯૭૮