(એજન્સી) તા.૪
આગામી લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ અચરજ પમાડે તેવા સમાચારો આવી રહ્યાં છે. રાજસ્થાનના રાજ્યપાલ કલ્યાણ સિંહની મુશ્કેલીમાં હવે ત્યારે વધારે થઈ ગયો છે જ્યારે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની વિરુદ્ધ કાર્યવાહીના સંકેત આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે પ્રચાર કરવા મુદ્દે ચૂંટણી પંચે કહ્યું હતું કે રાજ્યપાલ કલ્યાણ સિંહે આચારસંહિતાનો ભંગ કર્યો છે. તેના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ ફાઈલ સરકારને મોકલી આપી છે અને જરૂરી કાર્યવાહીનો નિર્દેશ પણ આપી દીધો છે. રાષ્ટ્રપતિ કોવિંદે ગૃહ મંત્રાલયને એક પત્ર પણ મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે દેશ આઝાદ થયા બાદ આ પહેલી ઘટના છે જ્યારે વડાપ્રધાન માટે કોઈ રાજ્યપાલે પ્રચાર કર્યો હોય. બંધારણીય પદો પર બિરાજમાન અધિકારીઓ સહિત રાજ્યપાલ માટે પણ આચારસંહિતા લાગુ પડે છે. રાષ્ટ્રપતિએ સ્પષ્ટ કરી દીધું છે કે મને લાગે છે ત્યાં સુધી રાજ્યપાલે સક્રીય રાજનીતિથી દૂર જ રહેવાની જરૂર છે. ચૂંટણી પંચે રાજ્યપાલ કલ્યાણ સિંહના નિવેદન પર સંજ્ઞાન લેતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોમવારે રાતે પત્ર લખ્યો અને તેમના નિવદનની ફરિયાદ કરી. સોમવારે મોડી સાંજે ચૂંટણી પંચની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી અને બેઠક બાદ રાષ્ટ્રપતિને એ અંગે પત્ર મોકલવામાં આવ્યો. બીજી બાજુ રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલા પત્રમાં રાજ્યપાલ કલ્યાણ સિંહના નિવેદન અને આચારસંહિતાના પાલન ઉપર તેની અસર અંગે વિસ્તારપૂર્વક વિવરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલના પદની ગરિમા અનુસાર ચૂંટણી પંચે રાષ્ટ્રપતિને આ મામલે યોગ્ય પગલાં લેવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે કલ્યાણ સિંહે ગયા અઠવાડિયે કહ્યું હતું કે અમે બધા ભાજપના કાર્યકર્તા છીએ અને અમે ઇચ્છીએ છીએ કે ભાજપ મોટી જીત હાંસલ કરે અને દેશ માટે જરૂરી છે કે નરેન્દ્ર મોદી ફરી વખત વડાપ્રધાન બને. હાલ કલ્યાણ સિંહ રાજ્યપાલ તરીકે એક બંધારણીય પદ ઉપર તૈનાત છે અને ભારતના બંધારણ અનુસાર બંધારણીય પદ ઉપર રહેલી કોઇ પણ વ્યક્તિ કોઇ રાજકીય પક્ષનું સમર્થન કરી શકે નહીં. ?કોંગ્રેસે પણ રાજસ્થાનના રાજ્યપાલ સામે અનેક ફરિયાદો કરી હતી. અલીગઢમાં ૨૩ માર્ચે ભાજપના કાર્યકરોને સંબોધતા કલ્યાણ સિંહે કહ્યું હતું કે આપણે બધા ભાજપના કાર્યકર્તાઓ છીએ અને આપણે ઇચ્છીએ છીએ કે ભાજપ જીતે. આપણે ઇચ્છીએ કે મોદીજી ફરીથી દેશના વડા પ્રધાન બને. મોદી ફરીથી દેશના વડા પ્રધાન બને તે દેશ માટે જરૂરી છે. ભાજપના કેટલાક કાર્યકર્તાઓ ટિકિટ વહેંચણીમાં થયેલા અન્યાયને લઇને સિંહના ઘરની બહાર ભેગા થયા હતા ત્યારે તેમણે આ નિવેદન કર્યું હતું. ૧૯૯૦માં પણ હિમાચલ પ્રદેશના તત્કાલિન રાજ્યપાલ ગુલશેર અહેમદ પણ પોતાના પુત્રના પ્રચારમાં જોડાતા પંચે વાધો લીધો હતો અને અંતે તેમને હોદ્દો છોડવો પડયો હતો.