(એજન્સી) નવી દિલ્હી, તા.૨૨
ર૦૧૪ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસ પક્ષને ખરાબ સાબિત કરવા માટેના ભાજપના એજન્ડાઓને આગળ ધપાવવા માટે જે લોકોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમાંની મોટાભાગની હસ્તીઓ બોલિવૂડ અને સાહિત્ય સાથે સંબંધ ધરાવતી હતી. તેમણે આ બધુ કાં તો પોતાની ભવિષ્યની નાણાકીય લેવડ-દેવડને સુરક્ષા પૂરી પાડવા કાં તો પોતાની વૈચારિક સમાનતાઓ દર્શાવા માટે કર્યું હતું તે સમયની યુપીએ સરકાર વિશે બોલનારા લોકોમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, વિવેક અગ્નિહોત્રી, અનુપમ ખેર અને અશોક પંડિત સામેલ હતા. અગ્નિહોત્રી, ખેર અને પંડિત પોતાની જમણેરી -હિન્દુ વિચારધારાનું સમર્થન કરવા માટે જાણીતા છે જ્યારે કુમાર અને બચ્ચનની ભાજપના એજન્ડાઓને આગળ ધપાવવા માટેની ભૂમિકા ઘણા લોકોને ચકિત કરનારી હતી. મનમોહનસિંહની તે સમયની યુપીએ સરકારને શરમજનક સ્થિતિમાં મૂકનાર એક મુદ્દો હતો. ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો તેમ છતાંય હકીકત એ હતી કે, તે સમયે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલે ૧૪૦ ડોલરની આસપાસ રહેતી હતી. જે દર વખતની કિંમત કરતાં સૌથી વધુ હોવાનું માનવામાં આવતું હતું તે સમયે અમિતાભ બચ્ચને કરેલી ટિ્‌વટ ખૂબ જ જાણીતી બની હતી. તેમણે ટિ્‌વટ કરી હતી કે, ‘પેટ્રોલની કિંમત ૭૫ રૂપિયાથી પણ વધુ થતાં પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરનાર વ્યક્તિએ પૂછ્યું કે, કેટલાનું આપું ? ત્યારે મુંબઈ કરે જવાબ આપ્યો. ર-૪ રૂપિયાનું કારની ઉપર સ્પ્રે કરી દે ભાઈ, સળગાવવી છે’ આ ઉપરાંત તેમણે અન્ય એક ટિ્‌વટ પણ કરી હતી કે, ‘રામચંદ્રએ સીતાજીને કહ્યું કે, એવો કળિયુગ આવશે જ્યારે તમે ગાડી રોકડેથી ખરીદશો, પણ પેટ્રોલ ભરાવવા બેંક લોન લેવી પડશે’ તે સમયે અક્ષય કુમારે પણ એક ટિ્‌વટ (હાલ ડિલિટ કરવામાં આવી છે) કરી હતી. ‘મિત્રો, મારૂ માનવું છે કે, આ સમય તમારી સાઈકલને સાફ કરવાનો છે. કારણ કે, પેટ્રોલની કિંમતોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે.’ હાલની પરિસ્થિતિ મુજબ કર્ણાટક ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલનો ભાવ દિવસેને દિવસે વધતો જાય છે. દિલ્હીમાં પેટ્રોલનો ભાવ રૂા.૭૬.૫૭ છે જ્યારે ડીઝલનો ભાવ ૬૭.૮૨ રૂપિયા છે. પરંતુ હવે તેના માટે અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર દ્વારા ટિ્‌વટ કરીને કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી નથી ત્યારે પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ લખ્યું છે કે, ‘હાલ જ્યારે પેટ્રોલ-ડીઝલનો ભાવ આસમાને છે ત્યારે દુઃખની વાત છે કે, લોકો બહેરા અને મૂંગા બની ગયા છે.’