(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૫
અનામત અંગેના પરિપત્રના વિવાદને લઈને અનામત વર્ગની મહિલાઓ તથા બિનઅનામત વર્ગની મહિલાઓએ ગાંધીનગરમાં આંદોલન જારી રાખી સરકાર ઉપર ભીંસ વધારતા સરકારમાં બેઠકોનો દોર જારી રાખી ઉકેલ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જો કે, આ મુદ્દે બરોબરની ભેરવાયેલી ભાજપ સરકાર દ્વારા આજે પણ મુખ્યમંત્રી નિવાસસ્થાને લાંબી મેરેથોન બેઠક યોજવા છતા કોઈ નિર્ણય લઈ શકાયો નથી.
લોકરક્ષક દળની પરીક્ષામાં અનામત વર્ગ અને બિનઅનામત વર્ગ સામ સામે આંદોલન કરી રહ્યા છે. જેના કારણે સરકાર મુશ્કેલીમાં મૂકાઈ છે. ત્રણ દિવસથી સરકાર આ મુદ્દે બેઠક કરી રહી છે પણ કોઈ નિર્ણય કરી શકતી નથી. આમ આ મુદ્દાએ સરકાર માટે આગળ ખાઈ પાછળ કૂવા જેવી સ્થિતિ સર્જાઈ છે. આ મામલે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર અને પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ સરકારને આજે રાત્રે ૧ર વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. બાંભણિયાએ જણાવ્યું હતું કે, સરકાર અમને ખોટી રીતે ભરમાવી રહી છે. અમને સરકાર લોલીપોપ આપી રહી છે. અમને જાણ કર્યા વગર કોઈ નિર્ણય કરાશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવે. રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે. અનામત બિન અનામત વર્ગનો એલઆરડી વિવાદમાં આવેલ મહેસાણા બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકરક્ષક દળની પરીક્ષા વિવાદ મામલે અનામત વર્ગ અને બિન અનામત વર્ગ સામસામે આવી ગયા છે. અનામત વર્ગની માંગ છે કે, ૧ ઓગસ્ટ, ર૦૧૮ના રોજ જીએડી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રને રદ્દ કરવામાં આવે. આ માંગને લઈ ઓબીસી, એસસી અને એસટીની મહિલા ઉમેદવારો છેલ્લા ૬૮ દિવસથી ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે. બીજી તરફ બિન અનામત વર્ગ આ પરિપત્રમાં કોઈ સુધારો ન કરવા આંદોલન પર ઊતાર્યો છે અને પરિપત્ર રદ્દ ન કરવાની પણ ચીમકી આપી છે. આવી સ્થિતિમાં બંનેને રાજી રાખી રસ્તો કાઢવાની કવાયત સરકાર દ્વારા હાથ ધરવામાં આવી છે પરંતુ ત્રણ દિવસ બાદ પણ તેમાં હજુ સફળ થઈ શકી નથી.