વિરમગામ,તા.૧
વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડના કાર્યાલયનું ગુરૂવારે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. વિરમગામ વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા ગુરૂવારે સિધ્ધનાથ મહાદેવ મંદિરના મેદાનમાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, લાખાભાઇ ભરવાડ, સોમાભાઇ પટેલ, નૌશાદ સોલંકી, રાજેશભાઇ ગોહિલ, લાલજીભાઇ મેર, પંકજસિંહ વાઘેલા, દેવેન્દ્રસિંહ સિંધવ સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં ખેતરો સુધી પાણી નથી પહોચ્યા, પશુઓ માટે પુરતો ઘાસચારો નથી અને ફક્ત અછતગ્રસ્ત વિસ્તારોની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજરાતના ખેડૂતોમાં આક્રોશ છે અને યુવાનો બેરોજગાર છે. તેમજ કોંગ્રેસ કાર્યકરોને લોકસભાની ચૂંટણી માટે સક્રિય થવા હાકલ કરી હતી.
ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ હતુ કે, સરકારે ઉદ્યોગપતિઓના કરોડો રૂપીયા માફ કર્યા છે અને ખેડૂતોના દેવા માફ કરવામાં ચુક આવે છે. પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપીયે પહોંચી જાય તેવી દશા છે. તો ઓએનજીસીને પણ સરકારે ખોટ કરતી કરી દીધી છે.