અમદાવાદ, તા.પ
“લોકશાહી બચાવો ખેડૂતોના દેવા માફી”ની માગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા રાજ્યના તમામ જિલ્લાના તાલુકા મથકે ધરણાં, વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં કોંગ્રેસના મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો સાથે ખેડૂતોએ પણ જોડાઈને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા પોલીસે કોંગ્રેસના અસંખ્ય આગેવાનો કાર્યકરોની અટકાયત કરી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડા અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને ગુજરાતના સંગઠન પ્રભારી-સાંસદ રાજીવ સાતવ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી સત્યાગ્રહ છાવણી, સેક્ટર-૬, ગાંધીનગર ખાતે ધરણાં વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. અમિત ચાવડાએ આ પ્રસંગે સંબોધન કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. મોંઘા બિયારણ, મોઘું ખાતર, મોંઘી વીજળી પછી ખેડૂતોને ખેતપેદાશોના પૂરતા ભાવ મળતા નથી. સરકારને ચીમકી આપી હતી કે આગામી ગુજરાત વિધાનસભાની બેઠક મળે તે પહેલા ખેડૂતોના દેવા માફ નહીં કરવામાં આવે તેમજ ખેડૂતોની માગણીઓ જેવી કે દરરોજ ૧૬ કલાક વીજળી, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ, પાક વીમાની ચૂકવણી સહિતના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષના કાર્યકરો વિધાનસભાનો ઘેરાવ કરવામાં આવશે. તેમજ ગામડે-ગામડે ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરશે. રાજીવ સાતવેએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ડૉ.મનમોહનસિંહના વડાપ્રધાન પદે અને યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં દેશના ખેડૂતોના હિતમાં ૭૧,૦૦૦ કરોડના દેવા માફીનો ઐતિહાસિક નિર્ણય કરીને અમલ કરવામાં આવ્યો હતો. જે રીતે પંજાબ તેમજ કર્ણાટકની કોંગ્રેસની સરકારોએ ખેડૂતોના દેવા માફ કરી જગતના તાતનું ઋણ ચૂકવ્યું છે તેવી જ રીતે ગુજરાત સરકાર પણ ગુજરાતના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરી ખેડૂતો સાથે ન્યાય કરે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવકતા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ જિલ્લાના તમામ તાલુકા મથકે “લોકશાહી બચાવો-ખેડૂતોના દેવા માફી”ની માંગ સાથે ધરણા-વિરોધ પ્રદર્શન અને આવેદનપત્રના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો-આગેવાનો અને ખેડૂતો જોડાઈને ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિ સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રાજ્યમાં અનેક સ્થળોએ લોક તાંત્રિક રીતે દેખાવો-ધરણા પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ પક્ષના કાર્યકરો-આગેવાનોની પોલીસે ખોટી રીતે અટકાયત કરી હતી.