(એજન્સી) ભોપાલ, તા.૧
ભાજપ શાસિત મધ્યપ્રદેશમાં ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આરએસએસના વડા મોહન ભાગવત દ્વારા મોટા ઉપાડે ભારતના પહેલાં કામધેનું અભ્યારણ્યની શરૂઆત કરવામાં આવી હતી પરંતુ હવે તેની પોલ ખુલવા લાગી છે. આ અભ્યારણ્યે માનવશ્રમ અને ભંડોળના અભાવને કારણે અહીં વધુ ગાયોને આશ્રય આપવાની ના પાડી દીધી છે. આ કામધેનું ગૌ અભ્યારણ્ય અગર-માલવા જિલ્લામાં આવેલું છે અને આ અભ્યારણ્યને શરૂ થયાના પાંચ મહિનાની અંદર જ ત્યાં ઘાસચારાની તંગી સર્જાવા લાગી છે. આ અભ્યારણ્ય ૧ર૦૦ એકરના વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની સ્થાપના રૂપિયા ૩ર કરોડના ખર્ચે કરવામાં આવી હતી. અભ્યારણ્યમાં ૬૦૦૦ ગાયો રાખવાની ક્ષમતા હતી પરંતુ અભ્યારણ્યે ૪૦૦૦ ગાયો બાદ વધુ ગાયોને આશ્રય આપવા અંગે હાથ ઉપર કરી નાંખ્યા છે. મધ્યપ્રદેશ ગાય સંરક્ષણ બોર્ડના અધ્યક્ષ સ્વામી અખિલેશ્વરાનંદ તરફથી આ લાલ ઝંડી દર્શાવવામાં આવી છે. સ્વામી અખિલેશ્વરાનંદ જ એ શખ્સ છે કે, જેમણે અલગથી ગાય મંત્રાલય બનાવવાની માગણી કરી હતી. મધ્યપ્રદેશ સરકારે સ્વામી અખિલેશ્વરાનંદને કેબિનેટ મંત્રીના દરજ્જાથી તો નવાજ્યા પરંતુ જ્યારે ગાય અભ્યારણ્ય માટે ભંડોળ આપવાનો પ્રશ્ન સામે આવ્યો તો હાથ પાછા ખેંચી લીધા.