અમદાવાદ, તા.૧૩
તાજેતરમાં જ વડાપ્રધાન મોદીનો ભાષણ કરવાથી અવાજ બેસી જવા મામલે રર વર્ષમાં કામ કર્યું હોત તો ગળું ફાડી ભાષણ ન કરવા પડત. તેવી પોસ્ટ સોશિયલ મીડિયામાં વહેતી કરી ચર્ચામાં આવેલા અને મંત્રી પર જૂતું ફેંકવાના કારણે જાણીતા બનેલા પાટીદાર અનામત આંદોલનકારી ગોપાલ ઈટાલિયાએ ફરી એકવાર ફેસબુક પર લાઈવ થઈ ભાજપની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી જોકરની જેમ વિમાન લઈ ઉડાઉડ કરે છે સાથે જ ઈટાલિયાએ ભાજપ પર અનેક મુદ્દે પ્રહાર કરી ભાજપને મત ન આપવા અપીલ કરી હતી. ભાજપ સરકારની વિકાસ સહિતના મામલે અનેક વાર ટીકા કરનાર પાટીદાર અનામત આંદોલનના નેતા ગોપાલ ઈટાલિયાએ ફરી એકવાર ભાજપને આડેહાથ લીધી હતી. વિમાન લઈ ફરનાર નરેન્દ્ર મોદીની તુલના જોકર સાથે કરી ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર રોડ શો અને સભાઓના નામે કરોડો રૂપિયાના ખર્ચ કરે છે અને જ્યારે સરકારી નોકરી માટેની ભરતી બહાર પડે ત્યારે ઉમેદવારો પાસેથી મોટી ફી ઉઘરાવવામાં આવે છે. સરકારની મોટાભાગની ભરતીઓ સામે હાઈકોર્ટમાં પીઆઈએલ થાય છે અને ઉમેદવારોએ પોતાના ખર્ચે વકીલ રોકી કેસ લડવા પડે છે. સરકારે જે ૧૦૮ એમ્બ્યુલન્સના નામે મત માગે છે તેમાં કામ કરતા તમામ સમાજના લોકોને કોન્ટ્રાક્ટ પર નોકરી રખાય છે. સરકારી શાળાઓમાં અંગ્રેજી પણ કથળેલું છે જ્યારે સરકારે રમતગમત માટે દરેક તાલુકામાં મેદાન બનાવવા જોઈતા હતા પણ ઉદ્યોગપતિઓને આપવા જમીન છે અને મેદાન બનાવવા માટે નથી. કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદવા માટે ભાજપ પાસે કરોડો રૂપિયા અપાય છે. ગુજરાતમાં એવું તે કેવું શિક્ષણ મળે છે કે ગુજરાતીઓ રેલવે, બીએસએનએલ, બેંક સહિતની કેન્દ્ર સરકારની નોકરીઓમાં નથી લાગતા. આમ ભાજપ પર અનેક મુદ્દે આકરા પ્રહારો કરી ગોપાલ ઈટાલિયાએ ભાજપને મત ન આપવા અપીલ કરી હતી.