(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૧૭
રાજય સરકારને માથેથી સમસ્યાઓ ટળવાનું નામ લેતી નથી, એલઆરડી ભરતી અંગે અનામતના પરિપત્રના વિવાદમાં ગત રોજ સરકારે ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરતા નિર્ણયની જાહેરાત કરી હતી જો કે, તેને લઈને પણ આંદોલન કરી રહેલ અનામત વર્ગનું જૂથ અસંતુષ્ટ છે. ત્યારે સમાધાન થયાની લાગણી સાથે હાશકારો અનુભવતી સરકાર માટે વધુ એક પડકાર ઉભો થયો છે. મહિલાઓ માટે બેઠકો વધારવાનો નિર્ણય લેવાતા હવે યુવાનોએ પણ સરકાર સામે મોરચો માંડવાની જાહેરાત કરી છે. પુરૂષોની બેઠકમાં વધારો કરવાની માંગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વધુ એક આંદોલન શરૂ થયું છે અને સરકાર નિર્ણય નહી લે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આ જૂથે ઉચ્ચારી છે.
રાજ્ય સરકાર એલઆરડી આંદોલનના ચક્રવ્યૂહમાંથી બહાર આવવાનો પ્રયાસ કરે છે, એટલી જ વધુ ફસાઈ રહી છે. હવે સરકાર માટે પણ આ આંદોલનના ચક્રવ્યૂહને ભેદવો સાત કોઠા વીંધવા જેવું કપરું બની રહ્યું છે. કેમ કે એલઆરડીનો ૧-૮-૨૦૧૮નો પરિપત્ર રદ કરવા મામલે અનામત વર્ગની મહિલાઓએ ૭૦ દિવસથી આંદોલન પર છે. ચાર-પાંચ દિવસથી બિનઅનામત વર્ગની મહિલાઓ આંદોલન પર ઉતરી હતી. જેને પગલે સરકાર દ્વારા એલઆરડીની ભરતી માટે મહિલાઓની સીટો વધારી દીધી છે. મહિલાઓની ભરતી માટે સીટો ૩૦૭૭ હતી તેની જગ્યાએ ૫૨૨૭ કરી દીધી. પરંતુ સરકારની આ જાહેરાતથી હવે પુરુષ વર્ગ નારાજ થયો છે. હવે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પર પુરુષવર્ગ મેદાને પડ્યો છે. સોમવારે યુવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યો હતો અને સાથે સાથે સરકારે બંધારણનો ભંગ કર્યો હોવાનું જણાવ્યું હતું. સત્યાગ્રહ છાવણી પર સાબરકાંઠા, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્ર સહિત અલગ અલગ જગ્યાએથી યુવાનો આવ્યા છે. એટલું જ નહીં જ્યાં સુધી પુરુષોની સીટોની સંખ્યા નહીં વધે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આંદોલન પર ઉતરેલા યુવાનોએ જણાવ્યું કે, સરકારે મહિલાઓને રાજી કરવાની લહાયમાં પુરૂષવર્ગને નારાજ કર્યો છે. બંધારણમાં મહિલાઓને ૩૩ ટકા અનામત છે. હવે આ સીટની સંખ્યા ૫૦ ટકા જેટલી થઈ ગઇ છે. એલઆરડીની ભરતી પ્રક્રિયામાં અગાઉ ૯૭૦૦ જગ્યાઓ પર ભરતી હતી, જેમાં મહિલાઓનું આંદોલન ટાળવા વધુ ૨૧૫૦ બેઠકો વધારી કુલ ભરતી માટે બેઠકો ૧૧૮૫૦ જેટલી કરી છે. જેમાં પરુષો માટે ૬૭૦૦ જગ્યા રાખી પુરુષો સાથે અન્યાય કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં અનામત આંદોલનના બે મોરચા તેમજ આદીવાસીઓના પડતર પ્રશ્ને લઈ બે મોરચા સરકાર સામે લડી રહ્યા છે. તેવામાં વધુ એક એલઆરડી ભરતી મામલે યુવાનોનો મોરચો ઉભો થયો છે. યુવાનોએ પણ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી સરકાર સામે લડત આપવાની ચીમકી આપી છે. જેને પગલે આંદોલન મામલે સરકાર વધુ એક વાર ભીંસમાં મૂકાઈ છે.
મહિલાઓની બેઠકો વધારવાના નિર્ણયથી પુરૂષો ખફા : સરકાર સામે માંડયો મોરચો !

Recent Comments