(એજન્સી) મુંબઇ,તા.૧૬
મહારાષ્ટ્રમાં ભલે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું હોય, પરંતુ સરકાર બનાવવાની કવાયતમાં શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી જોડાયલી છે. જો કે રેસમાં બીજેપી પણ ખુદને પાછળ નથી માની રહી. શનિવારનાં દાદર સ્થિત બીજેપીની ઑફિસમાં બેઠક થઈ, જેમાં પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીનાં અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલ અને વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ મંત્રી વિનોદ તાવડે પણ હાજર રહ્યા. આ બેઠકની તસવીરો સામે આવી ગઈ છે, જેમાં ફડણવીસ અને ચંદ્રકાંત પાટિલ હસતા જોવા મળી રહ્યા છે. શનિવારનાં થયેલી બેઠક વિધાનસભા ચૂંટણીમાં હારનારા ઉમેદવારો સાથે થઈ. બીજેપીની બેઠક બાદ પાર્ટી અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે કહ્યું કે, “બીજેપીએ વિધાનસભા ચૂંટણીમાં સારા નંબરમાં સીટો જીતી. તમામ લોકો ભવિષ્ય ભવિષ્યની ચૂંટણી લડવા માટે સકારાત્મક છે. નેતા અને પાર્ટી કાર્યકર્તા સમસ્યા જાણવા માટે લોકોની વચ્ચે જઇ રહ્યા છે.” તેમણે કહ્યું કે, “અમે ૧૬૪ સીટો પર ચૂંટણી લડ્યા અને સારા માર્જિનથી જીત્યા. આવનારા દિવસોમાં અમે વધારે શક્તિશાળી થઈને ચૂંટણી લડીશું.” તો પૂર્વ મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે, “મહારાષ્ટ્રમાં સરકાર બીજેપીની બનશે.” આ સાથે બીજેપીની ત્રણ દિવસીય બેઠક ખત્મ થઈ ગઈ.