(એજન્સી)
નવી દિલ્હી, તા.૧પ
રાજસ્થાનના અલવરમાં ગૌરક્ષકોની ગુંડાગીરીનો ભોગ બનેલા ઉમરના પરિવારને વળતર આપવાની માંગ આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે કરી છે. આમ આદમી પાર્ટી રાજસ્થાનના પ્રભારી ડોક્ટર કુમાર વિશ્વાસે કહ્યું કે, પ્રદેશમાં ભાજપના કુશાસનનું પરિણામ છે કે, ગળામાં ભગવો દુપટ્ટો નાખીને લોકો હત્યા જેવા ગુનાઓને અંજામ આપી રહ્યા છે. રાજસ્થાનમાં આવું અંધ શાસન ક્યારેય ન હતું. ડોક્ટર કુમાર વિશ્વાસે કહ્યું કે, જો ગૌ તસ્કરી થઈ રહી હતી તો મામલો પોલીસને સોંપવો જોઈતો હતો. તેના માટે કાયદાઓ છે. કાયદાને પોતાના હાથમાં લેનારાઓ વિરૂદ્ધ સખત કાર્યવાહી થવી જોઈએ.
ડોક્ટર વિશ્વાસે કહ્યું કે, સ્થિતિ એટલી વણસી ગઈ છે કે, કાયદેસરના સમૂહો કામ કરી રહ્યા છે. આ તપાસનો વિષય છે કે, ગાયોની રક્ષા કરનારાઓ અને ગાયોને પિકઅપ વેનમાં નાખીને લઈ જનારાઓ પાસે હથિયારો શા માટે હોવા જોઈએ. બંને પક્ષો વચ્ચે ગોળીબાર થયો જેના પરિણામ સ્વરૂપે આ મોત થયું છે. આમ આદમી પાર્ટીએ ભ્રષ્ટ અધિકારીઓને રક્ષણ આપનારા આદેશનું સખત વિરોધ પ્રદર્શન કર્યું. જે પછી પક્ષના રપ નેતાઓ અને કાર્યકર્તાઓ પર ખોટા કેસ કરવામાં આવ્યા. પાર્ટી વસુંધરા સરકારના દમનકારી કામોનો વિરોધ પૂરી તાકાતથી કરશે.