(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૦
સરકારે આધારને સામાજિક યોજનાઓ સાથે જોડવાની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરી છે. સરકારે બુધવારે એક મહત્વની જાહેરાત કરતાં એવું જણાવ્યું કે લોકોને સામાજિક કલ્યાણકારી યોજનાના લાભ ચાલુ રાખવા માટે આધારને મહત્વની સામાજિક યોજનાઓને સાથે જોડવાની મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવામાં આવે છે. આ કેસની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે આજે જાહેરાત કરી હતી કે, આધાર સંબંધિત મામલાઓ સાથે સંબંધિત તમામ અરજીઓ ઉપર નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આજે કહ્યું હતું કે, તે અગાઉ ૩૦મી સપ્ટેમ્બરના બદલે સામાજિક લાભ લેવા માટે આધારને ફરજિયાત કરવા માટેની મહેતલને ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવી ચુકી છે. ચીફ જસ્ટિસ દિપક મિશ્રા અને જસ્ટિસ અમિત્વા રોય, જસ્ટિસ એએમ ખાનવીલકરની બનેલી બેંચે કહ્યું હતું કે, આધાર સ્કીમની બંધારણીય કાયદેસરતાને પડકાર ફેંકતી અરજીઓ ઉપર નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. બેંચે કહ્યું છે કે, આ મામલામાં સુનાવણી કરવા માટે કોઇ અરજન્સી નથી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે બેંચ સમક્ષ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ૩૦મી સપ્ટેમ્બરની મહેતલને લંબાવશે. જુદા જુદા અરજીદારોનું પ્રતિનિધિત્વ કરનાર વરિષ્ઠ વકીલ શ્યામ દિવાને બેંચ સમક્ષ આ મામલાનો ઉલ્લેખ કર્યો હતો. આ બેંચમાં જસ્ટિસ અમિત્વા રોય, એએમ ખાનવીલકર પણ હતા. વરિષ્ઠ વકીલે અરજીઓ પર વહેલીતકે સુનાવણીની માંગ કરી હતી. સાથે સાથે અરજીઓમાં જુદી જુદી સામાજિક કલ્યાણની યોજનાઓના લાભ લેવા માટે આધારને ફરજિયાત કરવાની કેન્દ્ર સરકારની હિલચાલને પડકાર ફેંકવામાં આવ્યો હતો જ્યારે દિવાન ૩૦મી સપ્ટેમ્બરની મહેતલનો ઉલ્લેખ કર્યો ત્યારે વેણુગોપાલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર મહેતલને ૩૧મી ડિસેમ્બર સુધી લંબાવી ચુકી છે. આ મામલામાં તાકિદની કોઇ જરૂર નથી. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. ૭મી જુલાઈનાદિવસે ત્રણ જજની બેંચ દ્વારા સુનાવણી કરવામાં આવી હતી. આધાર સાથે સંબંધિત મામલાઓમાં મોડેથી વિસ્તૃત બેંચ દ્વારા સુનાવણી કરવાનો નિર્ણય કરાયો હતો.સુપ્રીમ કોર્ટ ૨૦૧૫ થી આધારની માન્યતાને પડકાર ફેંકનાર અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ અરજીઓની સુનાવણી દરમિયાન ગોપનીયતા મૂળભૂત અધિકાર છે કે નહીં તે સવાલ સપાટી પર આવ્યો હતો. ત્યારે સરકારની દલીલને ફગાવી દેતા સુપ્રીમની નવ સભ્યોવાળી બેન્ચે ગોપનીયતાને મુળભૂત અધિકાર ગણાવ્યો હતો. સુપ્રીમના આ ચુકાદાને કારણે કોર્ટમાં પેન્ડીંગ આધાર સંબંધિત અરજીઓ પર અસર પડવાની સંભાવના છે.