(એજન્સી) નવી દિલ્હી, તા.૮
કેન્દ્ર સરકારે શુક્રવારે હવાઈ મુસાફરી કરનારાઓ માટે દિશા-નિર્દેશો બહાર પાડ્યા છે. જે મુસાફરો અન્ય મુસાફરો માટે જોખમો ઊભા કરનાર જણાવશે. એમની ઉપર બે વર્ષ સુધી વિમાની પ્રવાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે અને એમની યાદી જાહેર કરવામાં આવશે. આ પ્રતિબંધ મુસાફરો આચરેલ ગુનાના આધારે મૂકવામાં આવશે ગુનાઓને ત્રણ ભાગોમાં વહેંચાયું છે. મૌખિક ગેરવર્તણૂક, શારીરિક ઈજા પહોંચાડવી અથવા ગેરવર્તણૂક અને ત્રીજી જાનથી મારી નાંખવાની ધમકી. આ દિશા-નિર્દેશોનો ઉદ્દેશ્ય વિમાની મુસાફરોની સલામતી માટે છે જે અમારી પ્રાથમિકતા છે. ગુનાઓનું વર્ણન કરતા ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે, જે કોઈ વ્યક્તિ શાબ્દિક રીતે ગેરવર્તણૂક કરશે જેમાં દારૂ પીધેલ મુસાફરો પણ સામેલ છે. એમની ઉપર ત્રણ મહિના માટે પ્રતિબંધ જે વ્યક્તિ શારીરિક ઈજાઓ પહોંચાડશે એમની ઉપર ૬ મહિનાનો પ્રતિબંધ અને જે વ્યક્તિ જાનથી મારી નાખવાની ધમકીઓ આપશે, વિમાની કર્મચારીઓ સાથે ઝઘડો કરશે, વિમાનને નુકસાન પહોંચાડશે એમની ઉપર બે વર્ષથી લઈ અચોક્કસ મુદ્દત માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. આ બાબતનો નિર્ણય એક સ્વતંત્ર કમિટી દ્વારા કરવામાં આવશે જે કમિટીના અધ્યક્ષ નિવૃત્ત જિલ્લા જજ હશે. એ પોતાનો ચુકાદો ૩૦ દિવસમાં આપશે. જો ૩૦ દિવસમાં ચુકાદો નહીં આપે તો કોઈ પ્રતિબંધ અમલમાં રહેશે નહીં. આ પ્રતિબંધ ઉપરાંત મુસાફરે કરેલ ગુના બાબતે અન્ય કાયદાઓ હેઠળ પણ પગલાં લઈ શકાશે. જે કાયદાઓ હેઠળ એ કૃત્ય ગુનો બનતો હોય. આ પ્રકારના કૃત્યો વિમાનની અંદર અથવા એરપોર્ટ ઉપર કર્યા હશે તો બન્ને બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. આ દિશા-નિર્દેશો ખાનગી એરલાઈન્સો માટે ફરજિયાત નથી પણ વિમાની મુસાફરોની સુરક્ષા માટે એ લાગુ કરશે તો મુસાફરોના હિતમાં રહેશે.