નવી દિલ્હી,તા. ૨૨
દેશની સરકારી અને ગ્રામીણ બેંકોની આજે હડતાળના કારણે બેંકિંગ સેવા ઠપ થઇ ગઇ હતી. કરોડોના કામકાજ અટવાઈ પડ્યા હતા. ચેક ક્લિયરિંગ, જીએસટી પેમેન્ટ સહિતની પ્રક્રિયા અટવાઈ પડી હતી. મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સમાનો કરવો પડ્યો હતો. આજે ૧૦ લાખ કર્મચારીઓ સરકારની સૂચિત હિલચાલ સામેના વિરોધમાં હડતાળ ઉપર ઉતર્યા હતા. ફોરેન એક્સચેંજ ટ્રાન્ઝેક્શન, ચેક ક્લિયરન્સ, લોન મંજુરી સહિતની કામગીરી ખોરવાઈ ગઈ હતી. ૧૨ લાખ ફાઈનાન્સિયલ સાધનોને અસર થઇ હતી. દેશવ્યાપી હડતાળની અસર તમામ ક્ષેત્રો પર જોવા મળી હતી. બેંકોમાં હડતાળના કારણે જીએસટી પેમેન્ટને પણ અસર થઇ હતી. જુદી જુદી પોતાની પેન્ડિંગ માંગને લઇને સવારમાં હડતાળ પાડવામાં આવી હતી. દેશભરની ૧૩૨૦૦૦ શાખાની કામગીરી સવારમાં ખોરવાઇ ગઇ હતી. મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આજે તમામ રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહી હતી.ગ્રામીણ બેંકો પણ બંધ રહી હતી. બેંક ચાર્જમાં વધારો અને અન્ય જુદી જુદી માંગને લઇને હડતાળ પાડવામાં આવી હતી. સરકારની સૂચિત હિલચાલ સામેના વિરોધમાં બેંકિંગ કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. જાહેર ક્ષેત્રની બેંકોની સેવા આજે ઠપ રહી હતી. કારણ કે, યુએફબીયુના છત્ર હેઠળ તમામ યુનિયનો હડતાળ પર હતા. મોટાભાગની બેંકોએ તેમના કસ્ટમરોને પહેલાથી જ સૂચના આપી દીધી હતી. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા જેવી ખાનગી બેંકોમાં ઓપરેશન ચેક ક્લીયરન્સમાં વિલંબ સિવાય સામાન્ય રહી હતી. ખાનગી બેંકોમાં સેવા યથાવત રીતે જારી રહી હતી. ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર્સ કન્ફડરેશન, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન, નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક વર્કર્સ સહિત નવ યુનિયનોની છત્ર સંસ્થા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન હેઠળ યુનિયનો હડતાળ પર હતા. ચીફ લેબર કમિશનર સાથેની તેમની મિટિંગ ફ્લોપ થઇ ગયા બાદ તેમની સામે હડતાળ ઉપર જવા સિવાય તેમની પાસે કોઇ વિકલ્પ રહ્યો ન હતો. એઆઈબીઓસીના જનરલ સેક્રેટરી ડીટી ફ્રેન્કો દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, યુનિયનો દ્વારા ઉઠાવવામાં આવેલી માંગણીઓનો ઉકેલ લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી ચુક્યા છે પરંતુ પરિણામો મળ્યા નથી જેના લીધે હવે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને હડતાળ પાડી હતી. દેશની ૫૬ ગ્રીણ બેંકોના ૧૭ હજાર શાખાઓમાં કામ કરતા એક લાખ અધિકારી અને કર્મચારીઓ પણ હડતાળ પર હતા. આજે સવારમાં જુદી જુદી જગ્યાએ બેંક કર્મચારીઓએ મળીને દેખાવો કર્યા હતા. બેંકોની હડતાળની કારણે જીએસટી પેમેન્ટને પણ અસર થઇ હતી. જે લોકો ૨૫મી ઓગષ્ટ સુધી જીએસટી જમા કરવા માટે ઇચ્છુક છે તે લોકોને વધારે તકલીફ થઇ હતી. કેટલીક અન્ય સંસ્થાઓએ પણ હડતાળમાં સામેલ થવાનો સવારમાં નિર્ણય કર્યો હતો. એનપીએની તરત જ વસુલી, એફડીઆઇ બિલની વાપસી, બેંક બોર્ડને વિઘટિત કરવા સહિતના મુદ્દે હડતાળ પાડવામાં આવી છે.હડતાળના કારણે આજે દિવસ દરમિયાન સામાન્ય બેકિંગ કામ ધરાવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હડતાળને ટાળવાના તમામ પ્રયાસ હાલના દિવસોમાં કરવામાં આવી રહ્યા હતા. જો કે વાતચીતના પરિણામ સકારાત્મક રીતે મળી રહ્યા ન હતા. કર્મચારીઓના પ્રતિનિધીઓ તેમની માંગ પણ મક્કમ રહ્યા હતા.