(એજન્સી) શોપિયાન, તા.૪
સરકારી દળો સામે આરોપ છે કે તેમણે શોપિયાન જિલ્લામાં નાગરિકોના ઘરો, ખાનગી સંપત્તિ અને વાહનોને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું હતું. ગ્રામજનોએ એક સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે દળો રાતના અંતિમ ભાગમાં તેમના ઘરોમાં ઘૂસી આવ્યા હતા અને કોઈપણ વાંક વિના સ્થાનિકો પર તૂટી પડ્યા હતા. અને તેમની કનડગત કરી હતી. પથ્થરમારાની અથવા વિરોધની કોઈ ઘટના ન બની હોવા છતાં સરકારી દળો ઉશ્કેરાઈ ગયા હતા અને લોકોની કનડગત કરી હતી. લડ્ડી ગામમાં ત્રાસવાદીઓ દ્વારા ગોળીબાર બાદ નાસી છૂટ્યાની ઘટના બાદ શોપિયાન જિલ્લાના કેટલાક ભાગોમાં ઘર્ષણની ઘટના બની હતી. કડગામના રહેવાસીઓનો આરોપ હતો કે દળોએ કોઈપણ કારણ અથવા વાંક વિના મુહમ્મદ ઈસ્માઈલ ડાર અને સિરાઝ અહેમદ ચોપનને ખૂબ ખરાબ રીતે માર માર્યો હતો. મુહમ્મદ ઈસ્માઈલે જણાવ્યું હતું કે કોઈપણ કારણવિના અમને માર મારવામાં આવ્યો હતો. અમારા ઘરોમાં ઘૂસી ગયા હતા અને સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. અમારા ઘરોમાં કોઈ ત્રાસવાદી કે અજાણ્યા લોકો સંતાયા ન હોવા છતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.