અમદાવાદ, તા.૩૦
આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત આગળ હોવાના દાવા કરી ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓના ગુણગાન ગાવા ગુજરાત સરકાર કોઈ કચાશ રાખતી નથી પરંતુ દિવા તળે જ અંધારૂ હોય તેમ જે સરકારી હોસ્પિટલોના ગુણગાન ગુજરાત સરકાર કરે છે તે જ સરકારી હોસ્પિટલો ઉપર સરકારના મંત્રીઓને જ ભરોસો નથી. તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. કેમ કે ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બીમારીમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ આ અઠવાડિયે બે સમાચાર આવ્યા. પ્રથમ સમાચાર આવ્યા કે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદની એક ‘ખાનગી’ હોસ્પિટલમાં કેન્સરનું ઓપરેશન કરાવ્યું. બીજા સમાચાર એવા આવ્યા કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘૂંટણના ઓપરેશન માટે છેક મુંબઈ ગયા હતા. જ્યાં ખાનગી હોસ્પિટલ ખાતે આજે તેમના ઘૂંટણ પર શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી. અહીં સવાલ ફક્ત એટલો જ છે કે ગુજરાતમાં ઘૂંટણના ઓપરેશન માટે અદ્યતન સારવાર ઉપલબ્ધ હોવા છતાં નીતિન પટેલ મુંબઈ કેમ દોડી ગયા ? બીજું કે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા લોકોને સરકારી હોસ્પિટલો તેમજ સરકારી સિસ્ટમ પર ભરોસો બેસે તે માટે કોઈ સરકારી હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી શકતા હતા, પરંતુ તેમણે આવું ન કરતા એક ખાનગી હોસ્પિટલમાં કેમ સારવાર લીધી ? ગુજરાત સરકાર તરફથી અવારનવાર સરકારી હોસ્પિટલો અને તેમાં મળતી સારવાર અંગે ગુણગાન ગાવામાં આવે છે. એટલું જ નહીં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં આખા રાજ્યમાંથી દર્દીઓ સારવાર માટે આવે છે અને તેના પરિણામ વિશે ખુદ સરકાર વાહવાહી કરતી હોય છે. ત્યારે સવાલ એ થાય છે કે પ્રદીપસિંહ તાબડતોડ એક ખાનગી હોસ્પિટલમાં કેમ દોડી ગયા? તેમણે સરકારી હોસ્પિટલમાં સારવાર લેવાને બદલે ખાનગી હોસ્પિટલ પર જ કેમ પસંદગી ઉતારી? શું તેમને સરકારી હોસ્પિટલોનાં ડોક્ટરો પર ભરોસો નહોતો ?
પ્રદીપસિંહના કેન્સરની સારવારના બે દિવસ બાદ નાયબ મુખ્યમંત્રી અંગે આવા જ સમાચાર આવ્યા. તેઓ તો પ્રદીપસિંહથી પણ બે ડગલાં આગળ ચાલ્યા. કદાચ એવું હોઈ શકે કે પ્રદીપસિંહ ગૃહમંત્રી છે અને નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હોવાથી તેમણે પોતાના પદની ‘ગરીમા’ જાળવવા આવું કર્યું હોય ! રાજ્યની સરકારી હોસ્પિટલોમાં પણ સર્જરી માટે ખૂબ જ અદ્યતન ટેક્નોલોજી અને સુવિધા છે. આટ આટલી સુવિધાઓ છતાં નાયબ મુખ્યમંત્રી મુંબઈ દોડી જાય ત્યારે લોકોમાં ચર્ચાનો વિષય બને તે સ્વાભાવિક છે. મળી રહેલી માહિતી પ્રમાણે નીતિનભાઈ પટેલ છેલ્લા બે વર્ષથી ઘૂંટણના સાંધાના દુઃખાવાથી પીડાતા હતા. ડોક્ટરોએ તેમને ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. જે બાદમાં તેમણે મુંબઈની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર લેવાનું નક્કી કર્યું હતું.