(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
દિલ્હીના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં એક હૈયુ હચમચાવી દેતી ઘટના સામે આવી છે. ન્યૂ ફ્રેન્ડઝ કોલોની ખાતે ચાલુ બસમાં ગુરૂવારે એક શાળાના પાંચ વિદ્યાર્થીઓ દ્વારા ૧૩ વર્ષીય મુસ્લિમ યુવાન પર ચાકુ વડે ઘા ઝીંકાતા તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બસમાં વિદ્યાર્થીઓ સિવાય અન્ય મુસાફરો પણ સફર કરી રહ્યા હતા. ડિસીપી રોમિલ બાનિયા મુજબ આ મામલામાં પાંચ આરોપીઓ આશ્રમ ચોકથી ૪૭૯ નંબરની કલસ્ટર બસમાં ચઢયા હતા. એમણે અનસનો ફોન ઝૂંટવી લીધો અને તેના પર ચાકુથી હુમલો કર્યો હતો. આરોપીઓ સરકારી શાળામાં ધો.૮, ૯, ૧૦ના વિદ્યાર્થી હતા. બસ કન્ડેક્ટરે જણાવ્યું કે, મોબાઈલને મુદ્દે તેમની વચ્ચે મારપીટ થઈ હતી. એક વિદ્યાર્થીએ અનસની ગરદન પર કેટલીકવાર ચાકુના ઘા ઝીંકયા અને પછી ત્યાંથી ભાગી ગયા. પરિવારનું કહેવું છે કે, બસમાં અન્ય યાત્રીઓ હાજર હતા પરંતુ કોઈએ અનસની મદદ કરી નહોતી. આ ઘટના બાદ કન્ડકટરે પીસીઆરમાં ફોન કરતાં પોલીસકર્મીઓએ અનસને એમ્સ ટ્રોમા સેન્ટર ખસેડ્યો હતો જ્યાં ડૉક્ટરોએ અનસને મૃત જાહેર કર્યો હતો. અનસના પિતાના જણાવ્યા અનુસાર અનસ ફરીદાબાદની અલ-ફલાહ યુનિ.માં બીકોમનો અભ્યાસ કરતો હતો. શુક્રવારે પ્રથમ સેમેસ્ટરનું અંતિમ પેપર આપવા જવાનો હતો. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે અને મામલાની તપાસ હાથ ધરી છે.