(એજન્સી) કોલકાતા, તા.૧૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પુલવામા હુમલા પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે ચૂંટણીના થોડા સમય પહેલા આ પ્રકારનો હુમલો કેમ થયો. મમતા બેનર્જીએ સોમવારે કહ્યું કે ઇન્ટેલિજન્સ રિપોર્ટ હોવા છતા પણ સીઆરપીએફના આટલા મોટા કાફલાને એક સાથે કેમ મોકલવામાં આવ્યો. મમતા બેનર્જીએ સવાલ કર્યો કે જવાનોને એરલિફ્ટ કેમ ન કરવામાં આવ્યા. તેમાં કેટલા પૈસા ખર્ચ થાય છે.
સાથે જ મમતાએ કહ્યું કે, સરકારને એવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ જેઓએ હુમલાને અંજામ આપ્યો છે, પરંતુ આવા સમયે ભાજપ-આરએસએસે કોમી રમખાણો કરવાનો પ્રયાસ કર્યો તો દેશ માફ નહીં કરે. મમતાએ આ આતંકવાદી હુમલો રોકવામાં નિષ્ફળ જવા બદલ મોદી સરકારની હકાલપટ્ટી કરવાની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે જ કેન્દ્ર સરકાર પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગે છે. તૃણમૂલ અધ્યક્ષે કહ્યું હતું કે, કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેમનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મોદી-શાહના રાષ્ટ્રવાદ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ફક્ત મોદી અને શાહ જ દેશભક્ત નથી.
ઉલ્લેખનીય છે કે ગુરુવારે દક્ષિણ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલામાં ૪૪ જવાન શહીદ થયા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી ફેલાઇ છે. લોકો સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમોથી આ હુમલાનો બદલો લેવાની વાત કરી રહ્યાં છે. જો કે આ મુદ્દે રાજકીય નિવેદનો પણ થઇ રહ્યાં છે.