(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.ર૧
શાપર-વેરાવળ નવા જૂનીની વિશેષ ઘટનાઓને લઈને ગુજરાતભરમાં ચર્ચામાં રહેલ છે. મગફળીના ગોડાઉનમાં કરોડો રૂપિયાની મગફળી આગમાં ખાખ થવાના બનાવમાં ચમકેલ શાપર-વેરાવળ ખાતે ગત રોજ ભંગાર વિણતા અનુસૂચિત જાતિના એક શખ્સને ફેકટરીવાળાઓ સાથે થયેલ ઝઘડામાં અસહય મારમારવાના કારણે દલિત શખ્સનું મૃત્યુ થતા પંથકમાં ચકચાર વ્યાપી જવા પામી હતી. આ બનાવના પડઘા રાજયમાં અન્યત્ર ના પડે તે માટે ગુજરાત સરકાર દોડતી થઈ ગઈ હતી. સરકારના બે મંત્રીઓ સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને સરકાર દ્વારા મૃતકના વારસદારોને રૂા.૮.રપ લાખની સહાયની જાહેરાત કરવા સાથે બનાવ અંગે ચારેય આરોપીઓની ધરપકડ કરી લેવાઈ હોવાનું જણાવાયું છે. સરકારના મંત્રીઓ પ્રદીપસિંહ અને ઈશ્વર પરમાર જણાવ્યું હતું કે શાપર-વેરાવળ ખાતે રાદડિયા ફેકટરી સામે અનુસૂચિત જાતિના મુકેશભાઈ વાણિયા જન્મ દિવસથી ભંગાર વિણતા હતા આ બાબતે રાદડિયા ફેકટરીના વ્યકિતઓ સાથે બોલચાલ થતા ઝઘડો થયો હતો અને મારામારીના પરિણામે મુકેશભાઈ સવજીભાઈ વાણીયાનું મૃત્યુ થયું હતું. આ સમાચાર મળતા રાજય સરકાર દ્વારા ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઈને સામેથી ત્વરિત કાર્યવાહી કરવા આદેશો આપ્યા હતા. જેના પરિણામે બનાવમાં સંડોવાયેલા ચારેય આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેઓની સામે કાયદાકીય રીતે કામગીરી બનતી ત્વરાએ કરવા જરૂરી સૂચનાઓ પણ સંબંધિતોને આપી દેવાઈ છે.
તેઓએ કહ્યું કે રાજય સરકાર દ્વારા બનતી ત્વરાએ લીધેલ પગલાના પરિણામે મૃતકના વતનમાં મરણ પામનારની અંતિમવિધિ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે છે. રાજય સરકાર દ્વારા ભોગ બનનારના વારસદાર તેમના પત્ની ચંપાબેન વાણિયાને રૂા.૮.રપ લાખની સહાય મંજૂર કરી છે. જેમાં પ૦ ટકા મુજબ રૂા.૪,૧ર,પ૦૦ ઉપરાંત અનાજ કઠોળ માટે કુટુંબની ચાર વ્યકિતના રૂા.પ૦૦ લેખે ત્રણ માસના રૂા.૬,૦૦૦/- મંજૂર કરીને રૂા.૪,૧૮,પ૦૦નો ચેક પણ આપવામાં આવ્યો છે.