(એજન્સી) તા.ર
ભારતમાં વિદેશી યુનિવર્સિટીઓને કેમ્પસ સ્થાપિત કરવા માટે મોદી સરકારને લીલી ઝંડી આપી દીધી છે. ખરેખર મોદી સરકારે યુપીએ સરકારની એ યોજના પરથી ધૂળ હટાવી હતી જેમાં વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસને ભારતમાં સ્થાપિત કરવાની વાત કહેવામાં આવી હતી. તેના માટે સરકારે રસ્તો સાફ કરી દીધો છે જેથી આ પરિસરોને પ્રવેશ અને સંચાલનની મંજૂરી આપવા માટે ભારતના ઉચ્ચતર શિક્ષણ આયોગ બિલમાં જોગવાઈ કરવામાં આવી શકે.જોકે માનવ સંસાધન મંત્રાલયે હવે વિદેશી યુનિવર્સિટીઓને લીલીઝંડી બતાવતાં ભારતમાં પોતાના કેમ્પસ સ્થાપિત કરવાની મંજૂરી આપી દીધી છે. એક જાણીતા મીડિયાના અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી હતી. આ બિલનો ઉદ્દેશ્ય યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી) અને અખિલ ભારતીય ટેક્નિકલ શિક્ષણ પરિષદ(એઆઈસીટીઈ)ને સમાપ્ત કરી એકમાત્ર શિક્ષણ નિયામક સ્થાપિત કરવાનો છે. સરકાર કહે છે કે આ બિલ હેઠળ ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગનો ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા અને શિક્ષણના સ્તરને સુધારવાનો હશે. એક જાણીતા મીડિયાના અહેવાલ અનુસાર આ બિલ હેઠળ વિદેશની ઉચ્ચસ્તરીય યુનિવર્સિટીઓ ભારતમાં પોતાના કેમ્પસ સ્થાપિત કરી શકશે. તેના માટે નવા હાયર એજ્યુકેશન કમિશનની મંજૂરી જરૂરી હશે. અગાઉ યુપીએ સરકારમાં પણ વિદેશી યુનિવર્સિટીઓના કેમ્પસને ભારતમાં સ્થાપિત કરવાની વાત કહેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે મોદી સરકારે પોતાના પ્રથમ કાર્યકાળમાં નીતિ આયોગ અને વાણિજ્ય મંત્રાલય સાથે મુખ્ય રૂપે તેના પર ભાર આપવાની સાથે વિદેશી શૈક્ષણિક સંસ્થાનોના બિલને પુનઃજીવિત કરવાના પ્રયાસ કર્યા હતા.