અમદાવાદ, તા.૪
ગુજરાત રાજ્યમાં ભાજપ સરકારે સત્તા સંભાળી ત્યારથી શિક્ષણ જગતના માફિયાઓ સેલ્ફ ફાઈનાન્સના નામે છડેચોક લૂંટ ચલાવી રહ્યા છે. હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સ્કૂલ ફી નિર્ધારિત કરવાની ખોટી જાહેરાતો કરી વાલીઓને ગુમરાહ કરવા મતોનું રાજકારણ રમી રહ્યા છે. હકીકતમાં સરકારની મીલિભગતના કારણે શાળા સંચાલકો ખુલ્લેઆમ વાલીઓને લૂંટી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. ભાજપ સરકારની શિક્ષણ નીતિ બજારીકરણના કારણે છેલ્લા બે દાયકામાં રાજ્યના શિક્ષણજગતનું માફિયાકરણ થઈ ગયું છે. સેલ્ફ ફાઈનાન્સ શાળા-કોલેજો મારફતે શિક્ષણની ખુલ્લેઆમ હાટડીઓ ખોલનાર ભાજપ સરકારે ચૂંટણી આવતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓના રોષને ડામવા માટે સ્કૂલ ફી ૧પ૦૦૦ નિર્ધારિત કરી વિદ્યાર્થી-વાલીઓને ગુમરાહ કરી રહી છે. પરંતુ કેટલાક શાળા સંચાલકો અને રાજકારણીઓના દબાણના કારણે સ્કૂલ ફી અંગે હજુ પણ કુલડીમાં ગોળ ભાંગવામાં આવી રહ્યો છે. જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં છેતરાયા હોવાની લાગણી આજે અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા ડો.હિમાંશુ પટેલે જણાવ્યું છે કે શાળા સંચાલકો અને સરકારના મેળાપીપણાના લીધે ગુજરાતના વાલી-વિદ્યાર્થી અને તેના પરિવારમાં આ શિક્ષણ નીતિમાં ફીના નામે ગેરસમજો ઉભી કરી સંચાલકો દ્વારા એસએમએસ, ફોન, રૂબરૂ કે વિદ્યાર્થીને વર્ગખંડમા જ શિક્ષક દ્વારા બાકીની ફી સત્વરે જમા કરાવવાનું દબાણ સર્જવામાં આવે છે. આમ ઉપરોક્ત બાબતમાં ભાજપ સરકારે સંચાલકો સાથે કુલડીમાં ગોળ ભાંગ્યા વિના વિદ્યાર્થીઓ અને શિક્ષણના હિતમાં સત્વરે સ્કૂલ ફી રકમ રૂા.૧પ૦૦૦ના નિર્ણય અંગે ચુસ્તપણે અમલ કરાવવો જોઈએ.