(એજન્સી) નવી દિલ્હી, તા. ૯
૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીઓ પહેલા વિપક્ષની એકતાના ટેસ્ટ તરીકે જોવામાં આવતી રાજ્યસભાના ઉપાધ્યક્ષપદની ચૂંટણીમાં સરકારનો સરળ વિજય થયો છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષપદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળા એનડીએના ઉમેદવાર હરિવંશસિંહનો વિજય થયો છે. તેમને ૧૨૫ વોટ મળ્યા જ્યારે વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદને ૧૦૫ વોટ મળ્યા છે. એનડીએ પાસે બહુમતીના આંકડાથી ઓછા સભ્યો હતા પરંતુ છેલ્લી ઘડીએ કેટલાક પક્ષોએ એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરીેને આખી રમત જ પલટી નાખી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિતશાહે ફોન પર અન્ય પક્ષો સાથે સંપર્ક કર્યો હતો અને નવીન પટનાયક જેવા વાડે બેઠેલાઓનો વિશ્વાસ જીત્યો હતો. વિપક્ષને ૧૧૦ વોટની અપેક્ષા હતી પરંતુ પાંચ સાંસદો – ડીએમકેના બે, તૃણમૂલ કોંગ્રેસના એક અને વાયએસઆર કોંગ્રેસ મતદાનથી દૂર રહ્યા હતા.
મહત્વના ૧૦ મુદ્દા
૧. પ્રથમ વાર સાંસદ બનેલા નીતીશ કુમારના જનતા દળ યુનાઇટેડના હરિવંશ નારાયણ સિંહ વિપક્ષના ઉમેદવાર અને કોંગ્રેસના સભ્ય બીકે હરિપ્રસાદને યુદ્ધમાં હરાવી દીધા છે. બિહારમાં જેડીયુ સાથે ભાજપના સંબંધો વણસેલા હોવાથી રાજ્યસભાના ઉપાધ્યક્ષપદ માટે હરિવંશની પસંદગીને જેડીયુ સાથેના સંબંધો મજબૂત બનાવવાના ભાજપના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
૨. ભૂતપૂર્વ પત્રકાર હરિવંશ નારાયણને શુભેચ્છા પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે હરિવંશજી સારૂં ભણેલા છે અને કલમના ધણી છે. વર્ષો સુધી તેમણે સમાજની સેવા કરી છે. લહેરમાં આવીને તેમણે જણાવ્યું કે રાજ્યસભામાં હરિવંશ હોવાથી હવે બધું જ હરી ભરોસે, હરિ કૃપા.
૩. રાજ્યસભાના ઉપાધ્યક્ષપદની ચૂંટણીમાં સરકારને બીજેડીના મહત્વના ૯ વોટ મળ્યા હોવાથી સરકારનો વિજય થયો છે. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ફોનથી સરકારને સમર્થન આપવાનું નક્કી કરવામાં નવીન પટનાયકને સહાય મળી હતી.
૪. ભાજપના પ્રમુખ અમિતશાહે છેલ્લા બે દિવસથી ખંતપૂર્વક સહયોગી પક્ષો અકાલી દળ અને શિવસેનાને મનાવવાના પ્રયાસો કર્યા હતા અને અંતે બંને પક્ષોેને તેમણે મનાવી લીધા હતા. શરૂઆતમાં અકાલી દળ અને શિવસેનાએ મતદાનથી દૂર રહેવાનું નક્કી કર્યું હતું. ગઇકાલે શિવસેનાએ એનડીએના ઉમેદવારને સમર્થન આપવાનું જણાવ્યું હતું.
૫. બીજીબાજુ રાહુલ ગાંધી તરફથી કોઇ ફોન કરવામાં નહીં આવતા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે રાજ્યસભાના ઉપાધ્યક્ષપદની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. આપના નેતા સંજયસિંહે જણાવ્યું કે જો રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને ભેટી શકે છે તો તેમણે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને સમર્થન આપવાનું અરવિંદ કેજરીવાલને શા માટે ન કહ્યું.
૬. ૨૪૪ સભ્યોની રાજ્યસભામાં બહુમતી માટે ૧૨૩ સભ્યોનું સમર્થન જરૂરી હતું પરંતુ કેટલાક સભ્યોની અનુપસ્થિતિને કારણે બહુમતીનો આંક ૧૨૩થી ઘટીને ૧૧૯ થઇ ગયો હતો.
૭. અરવિંદ કેજરીવાલની પાર્ટી ઉપરાંત વાયએસઆર કોંગ્રેસ અને મહેબૂબા મુફ્તીની પાર્ટી પીડીપી પણ મતદાનથી દૂર રહ્યા હતા. તાજેતરમાં જ ભાજપ સાથેના જોડાણનો અંત આવ્યો હોવાથી મહેબૂબા મુફ્તીએ વિપક્ષને સમર્થન આપવાનો શરૂઆતમાં સંકેત આપ્યો હતો.
૮. વિપક્ષની છાવણીને તૃણમૂલ કોંગ્રેસ, ડીએમકે, ડાબેરી પક્ષો, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને એનસીપીનો ટેકો હતો. ચાલુ વર્ષના પ્રારંભમાં એનડીએ સાથે છેડો ફાડનાર ચંદ્રાબાબુ નાયડુની તેલગુ દેશમ પાર્ટીનો પણ તાજેતરમાં વિપક્ષના કેમ્પમાં ઉમેરો થયો હતો.
૯. વિપક્ષને વાયએસઆર કોંગ્રેસના સમર્થનની અપેક્ષા હતી. વાયએસઆર કોંગ્રેસે જણાવ્યું કે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઇ હોવાથી અમે બંનેમાંથી કોઇને પણ સમર્થન નહીં આપવાનું નક્કી કર્યું. પક્ષના નેતા વિજય સાઇ રેડ્ડીએ જણાવ્યું કે કોંગ્રેસ નહીં પરંતુ ત્રીજા પક્ષના ઉમેદવારની પસંદગી કરાઇ હોત તો તેઓએ સમર્થન આપ્યું હોત.
૧૦. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે જણાવ્યું કે ચૂંટણીઓમાં કોઇ જીતે છે અને કોઇ હારે છે પરંતુ રાજ્યસભાના ઉપાધ્યક્ષ કોઇ એક પક્ષના નથી. હવે તેઓ દેશના છે.

રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી અંગે સોનિયા ગાંધીએ કહ્યું – ક્યારેક અમે જીતીએ અને ક્યારેક હારીએ છીએ


એકતાની અન્ય એક પરીક્ષામાં ગુરૂવારે વિપક્ષ નિષ્ફળ નીવડ્યો છે. રાજ્યસભાના ઉપાધ્યક્ષપદની ચૂંટણીમાં વિપક્ષ સરકાર સામે હારી જતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ ભારે સંયમી ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું કે ક્યારેક અમે જીતી જઇએ છીએ અને ક્યારેક હાર થાય છે. એક સત્ર સિવાય રાજ્યસભાનું ઉપાધ્યક્ષપદ હંમેશ કોંગ્રેસ પાસે રહ્યું છે. આગામી વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં સરકારનો મુકાબલો કરવા માટે સંગઠિત વિપક્ષ પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા દેખાડવા આ વખતે કોંગ્રેસે અન્ય પક્ષના ઉમેદવારને સમર્થન આપવાનું નક્કી કર્યું હતું. ૧૨૫ વોટ સાથે એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહ રાજ્યસભાના ઉપાધ્યક્ષપદની ચૂંટણી જીતી ગયા છે. વિપક્ષને રાહુલ ગાંધીથી અપસેટ અરવિંદ કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટી અને વાયએસઆર કોંગ્રેસનું સમર્થન ન મળ્યું. ઉપાધ્યક્ષપદની ચૂંટણીમાં ૧૧૯ સભ્યોનું સમર્થન જરૂરી હતું પરંતુ વિપક્ષના ઉમેદવારને ૧૦૫ વોટ મળ્યા હતા.

હરિવંશ નારાયણ રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન ચૂંટાયા પછી પીએમે કહ્યું, ‘હવે, આપણે બધા હરિ ભરોસે’

રાજ્યસભામાં ઉપસભાપતિ પદે હરિવંશ નારાયણ ચૂંટાયા પછી સદનમાં તેમને અભિનંદન આપતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે જ્યારે સદનમાં બધાને હરિ કૃપાની જરૂર હશે અને આશા છે કે, મળશે પણ. તેમણે હરિવંશને પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરના ખાસ ગણાવતા કહ્યું કે, તેઓ જમીન સાથે જોડાયેલી પત્રકારિતા કરીને આવ્યા છે, તેમણે અર્થશાસ્ત્રમાં એમએ કર્યું છે જેથી તેમના વ્યવસાય અને શિક્ષણનો સદનને પણ લાભ થશે. તેમણે ઉમેર્યું કે, પદની ગરિમા રાખવામાં હરિવંશે શાનદાર ઉદાહરણ પુરૂ પાડ્યું છે. તેમને ચંદ્રશેખર રાજીનામું આપશે તેની પહેલાથી જ જાણ થઇ ગઇ હતી પણ આ અહેવાલ તેમણે પોતાના જ અખબારમાં છપાવા દીધા નહોતા. મોદીએ ઉમેર્યું કે, ઉપસભાપતિ બનવા માટે બંને હરિએ ઉમેદવારી નોંધાવી હતી પણ જદયુના સાંસદ હરિવંશ નારાયણ જીતી ગયા અને વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદ હારી ગયા છે. હવે સાંસદો પર જોરદાર હરિકૃપા થશે. એનડીએના હરિવંશને ૧૨૫ જ્યારે વિપક્ષના ઉમેદવાર બીકે હરિપ્રસાદને ૧૦૫ મત મળ્યા હતા. તેમણે ઉમેર્યું કે, હરિ બલિયાના છે અને આજે ૯ ઓગસ્ટ એટલે ઓગસ્ટ ક્રાંતિ થઇ હતી. આઝાદીની લડાઇમાં બલિયાનું મોટું યોગદાન છે. ૧૮૫૭ની ક્રાંતિમાં બલિયાના મંગલ પાંડેથી લઇ ચિત્તૂ પાંડેએ પોતાના જીવ ન્યોછાવર કર્યા હતા. બલિયામાંથી જયપ્રકાશ નારાયણ, પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખર અને આજે હરિવંશ પણ આવી ગયા છે. હરિવંશ કલમના ધણી છે. તેઓ ક્યારેક મુંબઇ તો ક્યારેક કોલકાતા રહેતા હતા પણ શહેરોની ઝાકઝમાળ પસંદ ના આવતા તેઓ રાંચીના આદિવાસી વિસ્તારમાં આવી ગયા હતા.