(સંવાદદાતા દ્વારા)    અમદાવાદ, તા.૭

શહેરના સરખેેજ અને મકતમપુરા વોર્ડના વિવિધ  વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થતા વિફરેલી સ્થાનિક પ્રજાએ આજરોજ  માટલા સરઘસ કાઢ્યું હતું અને વોર્ડ ઓફિસમાં મોરચો લઈ જઈ હલ્લો મચાવતા અધિકારીઓ કચેરી છોડી નાસી ગયા હતા. હાલ મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ ચાલતો હોવાથી પાણીની જરૂરિયાત ખૂબ જ રહે છે તેમ છતાં મ્યુનિ. તંત્ર પાણી આપવામાં અખાડા કરી રહ્યું છે. આથી મહિલાઓએ મોડીરાત્રી સુધી ઉજાગરા કરી આમથી તેમ ભટકી પાણી લાવી સહેરીની તૈયારી કરવી પડે છે. સરખેજ અને મકતમપુરા વોર્ડમાં આવેલ છાપાનગર, નહેરૂનગર, સરખેજ રોજા, શેરઅલીબાવાની દરગાહ તથા મસ્તાનબાવાની દરગાહની આસપાસનો વિસ્તાર સુકન સોસાયટી, જાગૃતિ વિદ્યાલય, ગોપાલનગર, સિપાઈવાસ, ગાયત્રીવાસ, શાસ્ત્રીનગર, જાંબુવાસ, અલઅલશા મસ્જિદ, આઈશા મસ્જિદ, આમેના ખાતુન હોસ્પિટલ તથા ઈકરા હોસ્પિટલ આસપાસના સમગ્ર વિસ્તારમાં પાણી માટે વલખાં મારવા પડે છે. સરખેજ રોજા પાસે આવેલ પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હોવાથી તે તોડી પાડવામાં આવી છે. પરંતુ તેની સામે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી આ વિસ્તારમાં ભરઉનાળે અને રમઝાન માસમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે જ્યાં બોરથી પાણી અપાય છે ત્યાં વારંવાર મોટરો બળી જતી હોવાથી પાણીની સમસ્યા સર્જાતી રહે છે. આ અંગે મકતમપુરા વોર્ડના કાઉન્સિલર હાજીભાઈ મિરઝા જણાવે છે કે મે અને અન્ય કાઉન્સિલરોેએ મ્યુનિ. બોર્ડમાં મેયરને, કમિશનરને તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને અવાર નવાર રજૂઆતો કરી હોવા છતાં અમારી રજૂઆતો કરી હોવા છતાં અમારી રજૂઆતોને ગંભીરતાથી લેવાતી નથી વોર્ડ કક્ષાએ પણ અસંખ્ય રજૂઆતો કરી છેલ્લે હારી થાકીને અમારે આજરોજ માટલા સરઘસ કાઢવાની ફરજ પડી છે. દરમિયાન સરખેજ વોર્ડના કાઉન્સિલર નફીસાબેન અન્સારી, મકતમપુરા વોર્ડના કાઉન્સિલર હાજીભાઈ મિરઝાની આગેવાનીમાં વોર્ડ પ્રમુખ ગુલાબભાઈ ભરવાડ, સુરેશભાઈ ભરતભાઈ, મય્યુદ્દીન ઘાંચી સહિત મોટી સંખ્યામાં બહેનોએ માટલા સાથે સરઘસ કાઢી સરખેજ વોર્ડ કચેરીએ પહોંચ્યા હતા અને માટલાઓ ફોડી પાણી આપવા હલ્લાબોલ કરી હતી. આ જોઈ વોર્ડ અધિકારીઓ નાસી છૂટ્યા હતા.