(સંવાદદાતા દ્વારા) સુરત, તા.ર૪
સરથાણાના સણીયા હેમાદ ગામ ખાતે આવેલી શુભમ ઇન્ડસ્ટ્રીઝના કારખાનામાંથી શંકાસ્પદ અવસ્થામાં યુવકની લાશ મળી આવવાના પ્રકરણમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારાને દબોચી પાડી પાંજરે પુર્યો છે.
બિહારના આરા જીલ્લાના નનવો ગામનો મૂળ વતની અને હાલ ચોર્યાસી તાલુકાના સણીયા હેમાદ ગામ ખાતે આવેલી શુભમ ઇન્ડસ્ટ્રીઝના રૂમ નં-૫માં ૩૫ વર્ષીય વિકાસ લલનરા ભુમીહાર રહેતો હતો અને તે જ ઇન્ડસ્ટ્રીઝના ખાતા નં-૫૧માં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગત ૨ જુલાઇની સવારે ઘરમાં વિકાસની શંકાસ્પદ અવસ્થામાં લાશ પડી હતી. ઘટના અંગેની જાણ થતાં જ સરથાણા પોલીસ સ્થળ ઉપર પહોંચી ગઇ હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી મોતનું સાચું કારણ જાણવા લાશને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાઇ હતી. જ્યાં પોસ્ટ મોર્ટમ દરમ્યાન વિકાસનું કોઇ અજાણ્યા ઇસમે ઘરમાં પ્રવેશી ગળું દબાવી હત્યા કરી હોવાનો તબીબે પોલીસને રિપોર્ટ આપ્યો હતો. એ રિપોર્ટના આધારે સરથાણા એ.એસ.આઇ. રમેશ ગોવિંદભાઇએ સરકાર તરફે ફરિયાદી બની અજાણ્યા ઇસમો સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન પોલીસે બિહાર ભોજપુર આરા જિલ્લાના ચરપોખરી ગામનો વતની અને હાલ સરથાણા સણીયા હેમાદ ગામના શુભમ ઇન્ડસ્ટ્રીયલમાં નોકરી કરતો જીતેન્દ્રકુમાર વિશ્વનાથ રામનરેશ તિવારી નામના યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા પૈસાની લેતી દેતી સંદર્ભે સાથી કામદારની હત્યા કરી હોવાની કબૂલાત કરી છે.