(સંવાદદાતા દ્વારા) માંગરોળ,તા.ર૬
માંગરોળ તાલુકાના નાનાનૌગામા ખાતે રહેતા અને વેલાછા ખાતે પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા ૬૧ વર્ષીય ઠાકોર ભીમા વસાવાને ગત તા.૧૮/૧૦ના રોજ નાનાનૌગામા ગામનાં જ બે શખ્સોએ હુમલો કરી માર મારતા પોસ્ટ માસ્તરને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં પાંચ દિવસ બાદ તેઓનું મોત થતા ગામમાં હુમલાખોરો વિરૂદ્ધ આક્રોશ વ્યાપી જવા પામ્યો છે.
માંગરોળ પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ નાનાનૌગામા ગામમાં કોળી ફળિયામાં રહેતા જયેશ કાળીદાસ વસાવા તથા રણજીત કાળીદાસ વસાવા પોતાના ઘરની આગળ ઉભા હતા. આ દરમિયાન ગત તારીખ ૧૮/૧૦/ર૦૧૮ના સાંજે આજ ગામનાં ઠાકોર ભીમા વસાવા કે જેઓ પોસ્ટ માસ્તર તરીકે વેલાછા ગામે ફરજ બજાવી ઘરે પરત આવી રહ્યા હતા. ત્યારે ઉપરોક્ત બંને શખ્સો પોસ્ટ માસ્તરને ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ આ બંને શખ્સોએ ઠાકોર વસાવાને કહ્યું કે તે મારો નાનો દીકરો સહદેવની સાસુનો જમીન અંગે કેસ ચાલતો હતો. તેમાં પેઢીનામા ઉપર સહી કેમ કરી હતી ? તેમ કહી આ બંને લોખંડના પાઈપ વડે માર મારવા લાગ્યા હતા. જેથી તેઓએ બુમાબુમ કરતા ફળિયાવાળા દોડી આવ્યા હતા. ત્યારબાદ ૧૦૮ની મદદથી માંગરોળની સરકારી રેફરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી અંકલેશ્વર બાદ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં પાંચ દિવસની સારવાર બાદ ઠાકોર વસાવાનું મોત નિપજ્યું છે. માંગરોળ પોલીસે લાશનું પી.એમ. કરાવી ઉપરોક્ત બે શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે. હાલમાં આ બંને શખ્સો ફરાર છે.